નવી દિલ્હી, તા.4 : ચૂંટણી પંચની
સર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં નાગરિક
કૂચમાં હજારો છાત્રો અને લોકો જંતર-મંતર ભણી ધસી જવા માંડયા હતા. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ
એસોસિયેશન (આઈસા)નાં નેતૃત્વમાં આ કૂચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈ હતી અને જંતર-મંતર તરફ
આગળ વધી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી. આ કૂચમાં આઈસાનાં
અધ્યક્ષ નેહા બોરા સહિત સામાજિક કાર્યકરો અને વિભિન્ન છાત્ર સંગઠનોનાં સદસ્યો પણ સામેલ
હતાં. બીજીબાજુ ઇન્ડિયા ગેટ તરફ કૂચ કરી રહેલા આમઆદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે અટકાયતમાં
લીધા હતા. આ કૂચને પગલે દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત
વધારી દીધો હતો. જનપથ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-2 પાસે જંતર-મંતર બાજુ જતાં માર્ગ ઉપર બેરિકેડ લગાવીને આવાગમન
રોકી દેવામાં આવ્યું હતું. ત્યાંથી પસાર થતાં લોકો ઉપર પોલીસે ચાંપતી નજર રાખી હતી. આપનાં કાર્યકરોએ જ્ઞાનેશ કુમારની સામે પ્રદર્શન
કરીને રાજીનામાની માગણી ઉઠાવી હતી. તે ઇન્ડિયા ગેટ બાજુ આગળ વધતા હતા ત્યારે તેમને
પોલીસે અટકાયતમાં લીધા હતા. આપના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમની સામે દુર્વ્યવહાર કર્યો હતો. સૌરભે
કહ્યું હતું કે, ફૂટબોલની માફક તેમને ઉઠાવીને જ્યાં-ત્યાં ફંગોળવામાં
આવી રહ્યા છે.