નવી દિલ્હી, તા.3 : એશિયન ગેમ્સની
ક્રિકેટ સ્પર્ધામાં ભારતે ફરી એકવાર પોતાનું સામ્રાજ્ય સાબિત કરતાં ઐતિહાસિક ગોલ્ડ
હાંસલ કર્યો છે. અગાઉ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને પરાજય
આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, ત્યારે
હવે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પુરુષ ટીમે હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને
19 રને ધૂળ ચટાડીને સતત બીજી વાર
સુવર્ણ ચંદ્રક પોતાના નામે કરતાં રમતપ્રેમીઓ આનંદિત બન્યા હતા. ટોસ બાદ પ્રથમ બાટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 211 રનનો સ્કોર ખડક્યો હતો. ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો આ સર્વોચ્ચ સ્કોર
છે. આ સાથે જ ભારતે 2012માં પાકિસ્તાન
સામે બનાવેલા 192 રનનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ ધ્વસ્ત
કરી દીધો હતો. અભિષેકે માત્ર 28 બોલમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી તોફાની 61 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે મિડલ ઓર્ડરમાં તિલક વર્માએ આક્રમક વલણ
અપનાવી 22 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 51 રનની લડાયક ઇનિંગ્સ રમી ભારતને
મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું. 212 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો
કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે મજબૂત લડત આપી હતી,
તેમને ભારતની નબળી ફિલ્ડીંગનો ફાયદો પણ મળ્યો હતો પરંતુ ભારતીય બોલર્સે
ડેથ ઓવર્સમાં શાનદાર સંયમ જાળવીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. 17 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર
4 વિકેટે 160 રન હતો અને તેમને છેલ્લી 18 બોલમાં 52 રનની જરૂર
હતી. આ નાજુક ક્ષણે વાશિંગ્ટન સુંદરે 18મી ઓવરમાં માત્ર 8 રન આપીને અબ્દુલ સમદની મહત્ત્વની વિકેટ ઝડપી લીધી હતી. ત્યારબાદ 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાની પરિપક્વતાનો પરિચય આપતાં માત્ર
11 રન આપ્યા, જેથી પાકિસ્તાનને છેલ્લી 6 બોલમાં 33 રનનો અશક્ય જેવો ટાર્ગેટ મળ્યો હતો. અંતિમ ઓવરમાં બાલિંગ કરવા
આવેલા શિવમ દુબેએ ચુસ્ત લાઇન-લેન્થ જાળવી રાખી માત્ર 13 રન આપ્યા હતા અને છેલ્લા બોલ
પર 96 રને રમી રહેલા હસન નવાઝને આઉટ
કર્યો હતો. નવાઝે 51 બોલમાં 96 રનની બેટીંગ કરી હતી છતાં તે
પોતાની સદી અને ટીમને જીત અપાવવાથી વંચિત રહ્યો હતો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2023માં હવાંગ્ઝુ ખાતે રમાયેલી
એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ભારતે સુવર્ણ જીત્યો હતો, અને હવે આ વિજય સાથે ભારતે એશિયાડ ક્રિકેટમાં
પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.