નવી દિલ્હી, તા. 4 : જીએસટી લાગુ
થયાના લગભગ નવ વર્ષ બાદ વેરા પ્રણાલીમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. સરકાર જીએસટી
અધિકારીઓને અપાયેલી ધરપકડ કરવાની શક્તિ હટાવી શકે છે. આ પ્રસ્તાવ પર સાતમી ઓક્ટોબરના
યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે, તો જીએસટી સાથે જોડાયેલા મામલાઓમાં કરચોરી કરનારની
ધરપકડ નહીં કરાય. અધિકારીઓની શક્તિ હટાવવા માટે જીએસટી કાયદામાં સુધારા કરવા પડશે અને
સરકાર આવા સુધારા શિયાળુ સત્ર વખતે સંસદમાં લાવી શકે છે. વર્તમાન જીએસટી કાયદા હેઠળ
ગંભીર વેરાચોરીના અપરાધોના મામલાઓમાં ધરપકડની જોગવાઈ છે. ખાસ કરીને બોગસ બિલ બનાવવા,
ખોટી રીતે ઈનપુટ ટેક્સક્રેડિટ લેવી અને કરચોરી જેવા મામલાઓમાં આવી કાર્યવાહી
થઈ શકે છે. સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ કમિશનરને ધરપકડની મંજૂરી આપવાનો અધિકાર છે. આ માટે અધિકારી
પાસે પૂરતા પુરાવા હોવા જરૂરી છે કે વ્યક્તિએ ગંભીર જીએસટી અપરાધ કર્યો છે. અગાઉ 2022માં સરકારે ધરપકડ અને જામીનને
લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, માત્ર કાયદામાં
સત્તા છે, એટલે જ ધરપકડ ન કરવી જોઈએ, પરંતુ
કેસની ગંભીરતા અને વ્યક્તિની ભૂમિકા ચકાસવી જરૂરી છે. આ સંભવિત ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ ટેક્સ અધિકારીઓના અધિકારોના દુરુપયોગની ફરિયાદો હોવાનું
માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટસ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો
વચ્ચે છેલ્લા 8-9 મહિનાથી આ
મુદ્દે મંથન ચાલી રહ્યું છે. ઉદ્યોગ જગત અને કંપનીઓ દ્વારા જીએસટી તપાસ અને અધિકારીઓની
ધરપકડની સત્તાને લઈને સતત ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, ખાસ કરીને કંપનીના વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ
સામે સવાલો ઊઠતા રહ્યા છે. સરકાર હવે એવી સિસ્ટમ ઈચ્છે છે કે, ગંભીર છેતરાપિંડી પર કડક કાર્યવાહી ચાલુ રહે, પરંતુ વ્યાપારીઓને
ડરના માહોલનો સામનો ન કરવો પડે. સરકારી આંકડાઓ મુજબ, વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે જીએસટી અપરાધના 72,393 કેસ નોંધાયા છે, જેમાં કેન્દ્રીય જીએસટી અધિકારીઓ દ્વારા 887 લોકોની ધરપકડ કરવામાં આવી છે
(આ આંકડામાં રાજ્યના જીએસટી અધિકારીઓની ધરપકડ સામેલ નથી). પ્રસ્તાવિત ફેરફાર મુજબ, ગંભીર કૌભાંડો અને જાણી જોઈને આચરવામાં આવેલા
ગુનાઓ પર કડક પગલાં લેવાનું ચાલુ રહેશે. જો કે, ફરક માત્ર એટલો
હશે કે, જીએસટી અધિકારીઓ પોતે સીધી ધરપકડની સત્તાનો ઉપયોગ નહીં
કરે. આવા મામલાઓમાં ફોજદારી કાયદા કે ભારતીય ન્યાયસંહિતા હેઠળ કાનૂની કાર્યવાહીનો રસ્તો
અપનાવવામાં આવી શકે છે. હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે અને 7 ઓક્ટોબરની જીએસટી કાઉન્સિલની બેઠક તેમજ
સંસદીય પ્રક્રિયા બાદ જ આ અંગેનો આખરી નિર્ણય સ્પષ્ટ થશે.