વિરાણિયા (તા. મુંદરા), તા. 4 : પાણીની જ્યાં
હંમેશાં અછત રહેતી હોય છે એવાં કચ્છમાં ભૂખી નદીને પુનર્જીવિત કરવાનો કચ્છમિત્ર-ગ્લોબલ
કચ્છનો પ્રકલ્પ સામાજિક ઉત્તરદાયિત્વનું ઉમદા દૃષ્ટાંત છે, એમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું
હતું. કચ્છની બે દિવસની મુલાકાત દરમ્યાન રાજ્યપાલ વિરાણિયા ખાતે શાળામાં રાતવાસો કરવાના
છે. એક પેડ મા કે નામ અંગર્તત મિયાવાકી વનમાં વૃક્ષોરોપણ કર્યા બાદ શાળામાં કચ્છમિત્ર-ગ્લોબલ
કચ્છ ટીમને ખાસ 15 મિનિટનો સમય
ફાળવ્યો હતો.32 કિલોમીટર ભૂખી નદી પુનર્જીવિત
કરવાનો પ્રોજેક્ટ, તેની પ્રગતિ,
કાંઠાનાં ગામોને મળનારા લાભ, જળસંચય, વૃક્ષારોપણ એ બધી વિગતો આચાર્ય દેવવ્રતજીને આપી હતી. દેવવ્રતજીએ નદીના નવસાધ્યકરણ દરમ્યાન ચેકડેમ કેટલા બનશે ? વૃક્ષો કેટલા વાવશો ? જવાબદારી કોણ સંભાળશે એવા સવાલો
સાથે આખી યોજનામાં ઊંડો રસ લીધો હતો અને ભવિષ્યમાં યોજનાનું નિરીક્ષણ કરવાની તૈયારી
બતાવી હતી. કચ્છમિત્ર ટીમના દીપક માંકડ, મુકેશ ધોળકિયા,
નિખિલ પંડયા, ગ્લોબલના અરુણ જૈન તથા ઉર્મિલ ગાલાએ
પ્રકલ્પ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત માંડવીના વિધાયક અનિરુદ્ધ દવે તથા
સરપંચ શક્તિસિંહ જાડેજાએ ભૂખી નદી અને મિયાવાકી વનના પ્રેજેક્ટની અગત્યતા સમજાવી હતી.
વિશેષ તો આસપાસનાં ગામને મળનારા લાભો અને મુંદરા નગરની ભાગોળે રિવરફ્રન્ટ-રમતગમત સંકુલ
વિશે જાણીને રાજ્યપાલ આનંદિત થયા હતા. તેમણે પાણી અને પર્યાવરણનાં કામો સાથે કચ્છમિત્ર
- ગ્લોબલ કચ્છની ટીમને પ્રાકૃતિક ખેતી માટે
પ્રચાર-પ્રસાર વેગીલો બનાવવા સૂચવ્યું હતું. હરિયાણામાં પોતાના ગુરુકુળમાં વિશાળ એકરમાં
વર્મીકંપોઝ અળશિયાની ખેતી અને તેના અન્ય ફાયદાની વાત કરીને પોતાના મોબાઈલમાં તેનો વીડિયો
બતાવ્યો હતો. પ્રકૃતિ અને સાદગીને વરેલા રાજ્યપાલશ્રીએ દિવસભર ભરચક કાર્યક્રમો છતાં
ઉત્સાહભેર રસ લીધો હતો. તેમણે કહ્યું કે, મેં કચ્છમિત્ર કો અચ્છી
તરહ જાનતા હું. બહુત બઢિયા કામ કર રહા હૈ.