• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

સોનેરી શનિવાર : પાંચ સ્પર્ધામાં `ગોલ્ડ'

નવી દિલ્હી, તા. 3 : એશિયન ગેમ્સમાં ભારતીય રમતવીરોએ આજે અસાધારણ પ્રદર્શન કરતાં પાંચ સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય સહિત 9 ચંદ્રક પોતાનાં નામે કરી 21 ગોલ્ડ સાથે કુલ 85 ચંદ્રક સાથે ચોથાં સ્થાને રહી એશિયાડમાં પોતાના અભિયાનનો અંત આણ્યો હતો. જાપાનની ધરતી પર આયોજિત એશિયન ગેમ્સનું આવતીકાલે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે. આ સમારોહ દરમ્યાન, શૂટિંગમાં વ્યક્તિગત ગોલ્ડ સહિત ત્રણ ચંદ્રક જીતનારી નીરુ ઢાંડા ભારતની ધ્વજવાહક બનશે. આ વખતે સુવર્ણચંદ્રકો જીતવામાં દેશનું આ બીજું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ પહેલાં 2023માં 28 સુવર્ણ સહિત 106 ચંદ્રક જીત્યા હતા. તીરંદાજીમાં કુમકુમ મોહોદે રિકર્વ મહિલા વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ગોલ્ફમાં પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમે પાકિસ્તાનને પછાડી ચેમ્પિયન બનીને ગોલ્ડ મેળવ્યો હતો, જ્યારે રેસાલિંગમાં અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં શાનદાર રમત સાથે સુવર્ણ ચંદ્રક અંકે કર્યો હતો. આ ઉપરાંત મેન્સ હોકી ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-1થી કચડી નાખીને દિવસનો પાંચમો ગોલ્ડ મેડલ દેશનાં નામે કર્યો હતો. રજત ચંદ્રકોમાં ગોલ્ફની મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો, જ્યારે રેસાલિંગમાં અંતિમ પંઘાલ મહિલાઓની 53 કિગ્રા ગોલ્ડ મેડલ બાઉટમાં જાપાનની મો કિયોકા સામે પરાજિત થતાં તેમને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. કાંસ્ય ચંદ્રકોમાં તીરંદાજીના રિકર્વ પુરુષ વ્યક્તિગત મુકાબલામાં નીરજ ચૌહાણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે કુસ્તીમાં દીપક પુનિયાએ પુરુષોની 97 કિગ્રા ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં રોમાંચક લડત આપી મંગોલિયાના ગનખુયાગ ગનબાતારને 2-1થી પરાજય આપીને ભારતની ઝોળીમાં બ્રોન્ઝ મેડલ નાખ્યો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd