• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ભુજ-ભચાઉ ધોરીમાર્ગનું કામ ગોકળગતિએ

કોટડા (ચકાર), તા. 4 : ભુજ-ભચાઉ ધોરીમાર્ગની કામગીરી ગોકળગતિએ ચાલતી હોવાથી વારંવાર સર્જાતા ટ્રાફિક જામની રાવ તેમજ અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઇ હતી. લોકોને પડતી મુશ્કેલીની ફરિયાદ સાથે વહેલી તકે કામ પૂર્ણ કરવા માંગ ઊઠી છે. ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ એસએચ-42ને ચાર માર્ગીય ફોરલેન હાઇવેમાં પરિવર્તિત કરવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે. ભુજ-ભચાઉ વચ્ચે આશરે 574 કરોડના ખર્ચે બની રહેલા 75 કિલોમીટર લાંબા આ અત્યાધુનિક `હાઇસ્પીડ કોરિડોર'ની કામગીરી 55 ટકા પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે માર્ચ 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂરો થવાની શક્યતા છે. કામની ધીમી ગતિના કારણે શેખપીર ચોકડીથી પધ્ધર કનૈયાબે સુધીના માર્ગ પરથી પસાર થતા સ્થાનિકો, વાહનચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ કરાઇ છે. માર્ગનું કામ અધૂરું રહેતા અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી  હોવાનું જણાવાયું છે અને અકસ્માતની ભીતિ પણ વ્યક્ત કરાઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભુજ-ભચાઉ ફોરલેન ધોરીમાર્ગનું કામ વિવિધ સ્થળોએ ચાલી રહ્યું છે. ખાસ કરીને શેખપીર ચોકડી આસપાસ માર્ગ સલામતીની વ્યવસ્થા વિના ચાલી રહેલી કામગીરીના કારણે જોખમ વધ્યું છે.  સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે રોલર, જેસીબી, ડમ્પર સહિતના ભારે વાહનોની અવરજવર અને પૂરતી લાઇટિંગ તેમજ સૂચનાત્મક બોર્ડના અભાવે જોખમ વધુ ઘેરું બને છે, જ્યારે દિવસે પણ નાના-મોટા અકસ્માતો દિનચર્યાનો ભાગ બની ગયા છે. તંત્ર તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સમક્ષ કામની ગતિ વધારવા, ડામર કામ અને ડિવાઇડરની અવ્યવસ્થાઓ સુધારવા તથા માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માંગ કરાઇ છે. પ્રોજેક્ટ પૂર્ણ પૂરો ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરવા લોકોની માંગ ઊઠી  છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd