ગાંધીધામ, તા. 4 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં
ડામરના માર્ગોના કામો શરૂ છે દરમિયાન ઓવરલોડ ડામર ભરેલા ખુલ્લા ડમ્પર શહેરમાંથી પસાર
થતાં લોકો અને વાહન ચાલકો માટે જોખમી બની ગયા છે. તો બીજી બાજુ ખુલ્લા ટ્રેક્ટરમાં
કચરાનું પરિવહન લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભો કરી રહ્યું છે મહાનગરપાલિકા સહિતના વહીવટી
તંત્રો દ્વારા પગલા ભરવામાં ન આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. ગાંધીધામમાં સુંદરપુરી માર્ગ ઉપર ડામર પાથરવાની
કામગીરી થઈ રહી છે એ દરમિયાન ઓવરલોડ ડામર ભરેલા ખુલ્લા ડમ્પરો પસાર થઈ રહ્યા છે જેના
કારણે પાછળ આવતા દ્વિ ચક્રીય અને અન્ય વાહન ચાલકો તેમજ લોકો માટે જોખમી બની રહ્યા છે.
ડમ્પરમાં ઉપર ઓવરલોડ ડામર ભરવામાં આવતો હોવાના આક્ષેપો છે. ઉપર ટોચ વાળેલી હોય છે અને આ ખુલ્લા ડમ્પરો શહેરના
મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા હોવાથી જોખમ ઊભું થાય છે તંત્ર દ્વારા પગલાં ભરવાની માંગ
ઊઠી છે તો બીજી બાજુ ગાંધીધામ આદિપુરમાં સફાઈની
એજન્સી દ્વારા ખુલ્લા ટ્રેક્ટરોમાં કચરાનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. પવનના કારણે
કચરો લોકોને વાહન ચાલકોની આંખોમાં ઊડે છે જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો
છે. ખરેખર તો કચરાનું ટ્રેક્ટર ભરાયા બાદ ઉપર કપડું ઢાંકવું જોઈએ ને ત્યારબાદ તેનું
પરિવહન થવું જોઈએ પરંતુ આવું થતું નથી ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો લઈ જવાતો હોવાથી વાહન
ચાલકો અને લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે ખાસ કરીને વાહન ચાલકોને આંખોને
નુકસાન પહોંચે છે. મહાનગરપાલિકાના સેનેટરી
ઇન્સ્પેક્ટર દ્વારા એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા
કરવામાં આવી રહી છે.