મુંબઈ, તા. 4 (વિશેષ સંવાદદાતા) : મુંબઈની સડકો પર રવિવારે યોજાયેલી ભવ્ય જૈન સામૂહિક
રથયાત્રાએ જૈન ધર્મની આધ્યાત્મિકતા સાથે સમાજની સંગઠિત શક્તિનાં પણ વિરાટ દર્શન કરાવ્યાં
હતાં. મુંબઈ જૈન સંઘ સંગઠનના નેજા હેઠળ યોજાયેલી
આ રથયાત્રામાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુ જોડાયા
હતા. 1100 જૈન સંઘના પ્રતિનિધિઓ, 200થી વધુ જૈન
સંઘની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક
ઝાંખીઓ તથા 400થી વધુ સાધુ-સાધ્વી
ભગવંતની ઉપસ્થિતિમાં સમગ્ર આયોજનને વિશાળ આધ્યાત્મિક
અને સામાજિક પરિમાણ આપ્યું હતું. મુંબઈ જૈન
સંઘ સંગઠનના ટ્રસ્ટીઓ વીરેન્દ્રભાઈ શાહ, ઘેવરચંદ બોહરા અને ભંવરલાલ કોઠારીનાં માર્ગદર્શન તથા આશિષ શાહ, રાકેશ શાહ, નિતિન વોરા, મુકેશ જૈન
અને કલ્પેશ હેકડાના પ્રયાસોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય નપદ્મ
સાગર સૂરિશ્વરજી મહારાજે ધર્મમંચ પરથી સમગ્ર શ્રીસંઘની અનુમોદના કરી હતી. 400થી વધુ સાધુ-સાધ્વી ભગવંતોની
ઉપસ્થિતિએ યાત્રાને આધ્યાત્મિક ગૌરવ આપ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત
લોઢાએ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. વિવિધ જૈન સંઘોના રથો અને ઝાંખીઓ સાથે શ્રદ્ધાળુઓનો
વિશાળ કાફલો આગળ વધ્યો હતો. માર્ગમાં ઠેર-ઠેર ગુરુ ભગવંતો અને પુણ્યાત્માઓનું ભાવભેર
સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈના જૈન સંઘો તરફથી સમાજસેવી ચૂનિલાલ ચંદન
અને જિનશાસન એકતાના પ્રખર સમર્થક બાબુલાલ ભણસાલીને `શાસનરત્ન સન્માન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશરે
ત્રણ કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો ધર્મધ્વજા સાથે શ્રાવક-શ્રાવિકાઓ, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.