• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

પંડિત શ્યામજીને મોદીની વીરાંજલિ

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014માં ભારતના વડાપ્રધાન તરીકે રાષ્ટ્રની બાગડોર સંભાળી. સત્તામાં નિરંતર 25 વર્ષ પૂર્ણ કર્યા એ અનોખી ઘટનાની તેમના રાજકીય પક્ષ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્રભાઇ મોદીએ સરકારના અધિપતિ તરીકે અનોખાં કામ કર્યાં છે, એમાં પાયાનું એક કામ કર્યું, રાષ્ટ્રના સપૂત-ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં યોગદાનનો ભારતને પરિચય કરાવવાનું તથા તેમનાં અસ્થિ જીનિવાથી તેમનાં વતન માંડવી (કચ્છ) લાવવાનું. ભારતના ક્રાંતિવીર અને કચ્છી સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્માની રવિવાર 4થી ઓક્ટોબરે જન્મજયંતી. યોગાનુયોગ તેમનું નામાભિધાન ધરાવતી કચ્છ યુનિવર્સિટીમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાઇ રહ્યો છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનું એક જ્વલંત પ્રકરણ છે. 4થી ઓક્ટોબર, 1857ના રોજ માંડવી ખાતે તેમનો જન્મ અને 30મી માર્ચ, 1930ના જીનિવા ખાતે અવસાન થયું. આ કચ્છીમાડુની રાષ્ટ્ર કાજેની લડતની છટા જુદી જ છે. ભારતવર્ષની ભૂમિને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે કેટકેટલાય વીરોએ યોગદાન આપ્યું છે. કોઇ સામી છાતીએ લડયા, અંગ્રેજ સૈનિકોનો સામનો કર્યો... કેટલાય સંપન્ન લોકોએ પોતાની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી. એક લડત એવી હતી, જે પરભૂમિમાં લડાતી રહી... એના લડવૈયા એટલે શ્યામજી... તેમણે અંગ્રેજો વિરુદ્ધ માહોલ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. માંડવીની ધરતી અને કચ્છની આબોહવામાં શ્યામજીના દેશાભિમાન, બલિદાન, વિચક્ષણતાની વાતો ઘુમરાઇ રહી છે. મસ્કા નજીક સમુદ્રકાંઠે વિશાળ ક્રાંતિતીર્થ પ્રવાસીઓ, ઇતિહાસવિદ્ને આકર્ષી રહ્યું છે, એનું શ્રેય નરેન્દ્રભાઇને જાય છે. શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ 73 વર્ષ પછી માદરે વતન આવી શક્યા એ પણ મોદીજીને આભારી છે. પહેલાં સંઘના સ્વયંસેવક, પછી ભાજપ સંગઠનના સમર્પિત કાર્યકર્તા, ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇએ જે કંઇ હાંસલ કર્યું, એમાં ક્યાંક ને ક્યાંક ક્રાંતિ શિરોમણિની પ્રેરણા કે આશીર્વાદ સમાયેલા છે. વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કિરીટ સોમૈયા, કચ્છના મંગલ ભાનુશાળી સાથે જીનિવા (સ્વિત્ઝર્લેન્ડ) ગયા હતા. પંડિતજી અને તેમનાં દિવંગત પત્ની ભાનુમતી વર્માના અસ્થિકળશનો કેન્ટોન ખાતે સેન્ટ જ્યોર્જ કોલોરોમ્બેરિયમનાં મ્યુઝિયમના અધિકારીઓ પાસેથી સ્વીકાર કરાયો એ દિવસ 22મી ઓગસ્ટનો હતો. જીનિવાથી જ અસ્થિયાત્રાનો પ્રારંભ થયો... એ વીરાંજલિયાત્રા બીજી સપ્ટેમ્બરે કચ્છમાં અને 4થીએ શ્યામજીની જન્મભોમકા માંડવી પહોંચી હતી. એ વેળાએ દેશના નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી મોદીજીની સાથે ઉપસ્થિત હતા. મહાન સ્વાતંત્ર્યવીર પ્રત્યેનો આ ઋણસ્વીકાર હતો. ક્રાંતિવીરનો જીવનદીપ ભલે જીનિવામાં બુઝાઇ ગયો, પરંતુ જે ધ્યેય, સંકલ્પ અને આદર્શો સાથે જીવનભર ઝઝૂમ્યા, એમાંથી દેશ પ્રેરણા લે, તેમની અમર સ્મૃતિ સચવાય એ હેતુ આજે સાર્થક થયેલો દેખાય છે. શ્યામજી કૃષ્ણવર્મા હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામની સશત્ર ક્રાંતિનું નેતૃત્વ લેનારા પ્રખર રાષ્ટ્રભક્ત હતા.  ભારતને આઝાદી મળી એના પાયામાં શ્યામજી જેવા અનેક `અજ્ઞાત' વીરોનો ફાળો છે. વીરાંજલિયાત્રા દરમ્યાન મોદીએ કહ્યું હતું કે, દેશ સ્વતંત્ર થયો એ પછી તુરંત શ્યામજીના અસ્થિ ભારત લાવવાની જરૂર હતી, પરંતુ આઝાદીના ઉલ્લાસમાં એ વેળાના શાસકો મહાન સ્વાતંત્ર્યસેનાનીની અંતિમ ઇચ્છા વિસરી ગયા હતા. 2003ની વીરાંજલિયાત્રાએ ગુજરાતભરમાં રાષ્ટ્રવાદનો ઉન્માદ જગાવ્યો હતો. 23મી ઓગસ્ટે મોદીએ અસ્થિકળશ લઇને મુંબઇ લેન્ડિંગ કર્યું ત્યારે તેના સ્વાગત માટે હજારો ભાનુશાળી અને નામાંકિત રાજનેતાઓ ઊમટી પડયા હતા. શ્યામજી ઊંચા ગજાના રાષ્ટ્રપુરુષ હતા. તેમનો સંબંધ લોકમાન્ય ટિળક સાથે હતો અને અનેક ક્રાંતિકારીઓને તેમણે આઝાદીની લડત માટે પ્રેરણા આપી હતી. વીર સાવરકરના તેઓ ગુરુ હતા. અસ્થિકુંભ શ્યામજીની જન્મભોમકા માંડવી પહોંચ્યો ત્યારે તેને સન્માન આપવા માનવમહેરામણ ઊમટી પડયો હતો. એવું નોંધાયું છે કે, પંડિત શ્યામજીએ સંસ્કૃત, કાયદા અભ્યાસ, લેટિન ભાષા, ઇશ્વર જ્ઞાન, વેદાભ્યાસ અને અન્ય વિષયોમાં પણ ભારત અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને પ્રવીણતા પ્રાપ્ત કરી હતી.  જીનિવામાં પંડિત શ્યામજી અને ભાનુમતીજીનું જીવન એકલતામાં વીત્યું હતું. માંડવીમાં ક્રાંતિતીર્થ પંડિત શ્યામજીનાં જીવન, એમના સંઘર્ષની ભવ્યગાથા સાચવી બેઠું છે. અફસોસ એ વાતનો છે કે, લંડનમાં `ઈન્ડિયા હાઉસ' તેમજ શ્યામજી કૃષ્ણવર્મા રહેતા હતા એ નિવાસને `સ્મારક' તરીકે સાચવી નથી શકાયું. વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ લંડન ખાતે એ ઘર અને `ઈન્ડિયા હાઉસ'ની મુલાકાત લીધી હતી. તેમણે નોંધ્યું છે કે, શ્યામજીનું ઘર અને ઈન્ડિયા હાઉસ બન્ને અલગ મકાન છે. શ્યામજીનું ઘર લંડનના બંગલાઓવાળા ભાગમાં આવેલું છે. ત્યાંથી બે-ચાર ગલી વટાવતાં હાઈગેટ વિસ્તારમાં `ઈન્ડિયા હાઉસ' જોવા મળે. લગભગ  બે દાયકા પહેલાં શ્યામજીના ઘરની એક દીવાલ પર તકતીમાં `ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, સંસ્કૃત વિદ્વાન અને ભારતીય દેશભક્ત 1900થી 1907 અહીં રહેતા હતા' એવું લખાણ હતું... જ્યારે ઈન્ડિયા હાઉસ પરની તકતીમાં `િવનાયક દામોદર સાવરકર 1883-1966' નામ હતું. અહીં એ નોંધનીય છે કે, ઈન્ડિયા હાઉસ શ્યામજી કૃષ્ણવર્માનું સર્જન હતું. પંડિત શ્યામજી સાવરકરથી સિનિયર હતા. એટલું જ નહીં, શ્યામજી કૃષ્ણવર્માની સ્કોલરશિપથી જ ભણ્યા હતા. કીર્તિભાઇએ `લંડનમાં શ્યામજી સ્મારકની ઉજળી તક વેડફાઇ ગઇ' મથાળાં હેઠળના લેખમાં નોંધ્યું હતું કે, આઝાદીના જંગ અને લડવૈયાઓ તૈયાર કરવાની ભૂમિકાને ધ્યાને લઇએ તો શ્યામજીનું પ્રદાન વિશાળ હતું, છતાં સાવરકરને માન્યતા વહેલી મળી ગઇ. કારણ કે એના ચાહકોએ સમયસર પહેલ કરી હતી, જ્યારે શ્યામજી માટેની ઝુંબેશ મોડી શરૂ થઇ હતી અને જે કાંઇ થયું એનું શ્રેય નરેન્દ્રભાઇ મોદીને જાય છે. માંડવીના ક્રાંતિતીર્થ સંકુલમાં ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સૂચક છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd