ગાંધીધામ, તા. 4 : ગાંધીધામની જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ
સ્કૂલ દ્વારા ગોયંકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ વિજેતા વિવેકાનંદ ટીમને ટ્રોફી
તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાની સમૂહબદ્ધતા તેમજ ઘર તથા શાળા વચ્ચેનો સંબંધ
મજબૂત કરવા અને વિદ્યાર્થીઓ માટે સહભાગીતાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસના
ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. પિતૃદિનના દિવસે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં
શાળાના ચાર હાઉસ દ્વારા પ્રતિનિધિત્વ કરતી ચાર ટીમે ભાગ લીધો હતો. પ્રથમ સેમિફાઇનલ
રાધાકૃષ્ણ અને વિવેકાનંદ વચ્ચે તથા બીજી સેમિફાઇનલ ટેગોર અને ટેરેસા વચ્ચે રમાઈ હતી.
ફાઇનલમાં ટેરેસા ટીમને હરાવીને વિવેકાનંદ ટીમે વિજય મેળવીને ટ્રોફી ઉપર કબજો કર્યો
હતો. રનર્સ-અપ ટીમને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. શાળાના સ્ટાફ દ્વારા
અમ્પાયારિંગ તથા સ્કોરકીપિંગ તેમજ કોમેન્ટરી અને અન્ય આયોજનમાં સેવા અપાઈ હતી. આ કાર્યક્રમમાં
ભાવેશભાઈ ચાવડા, શંભુભાઈ હુંબલ, કવિતા રાઠોડ,
શુભમ આર્યા, શામજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય લોકેશકુમાર શાહના માર્ગદર્શન હેઠળ પિતાઓ માટે આ આયોજન કરવામાં આવ્યું
હતું. સોફિયા ચક્રવર્તી અને માનસી લિંબાચિયાએ એન્કરની ભૂમિકા નિભાવી હતી તેમજ ક્રિકેટના
નિયમોની વિસ્તૃત માહિતી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ રમતનો પ્રારંભ થયો
હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ
આપવામાં આવી હતી.