• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

`ગંભીર' અસર : દિલ્હીના રણજી ટ્રોફી સંભવિત ખેલાડીઓમાં કોહલી - પંત સામેલ

નવી દિલ્હી, તા.25 : ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું માનવું છે કે ટીમના સિનિયર-જૂનિયર ખેલાડીઓએ ઘરેલુ ક્રિકેટનો હિસ્સો બનવું જરૂરી છે. જેની અસર જોવા મળી રહી છે. દિલ્હી ક્રિકેટ એસો.એ આગામી રણજી ટ્રોફી સીઝનના સંભવિત ખેલાડીઓની સૂચિ જાહેર કરી છે. જેમાં ટેસ્ટ સ્ટાર વિરાટ કોહલી અને રિષભ પંતના નામ સામેલ છે. કોહલી વર્ષ 2012 બાદથી ક્યારેય રણજી ટ્રોફી રમ્યો નથી. છેલ્લે તે નવેમ્બર-2012માં દિલ્હી તરફથી ઉત્તર પ્રદેશ સામે રણજી ટ્રોફીનો મુકાબલો રમ્યો હતો ત્યારે તેણે 14 અને 42 રનની ઇનિંગ્સ રમી હતી. કોહલી તેની કારકિર્દીમાં કુલ 146 પ્રથમ કક્ષાના (ટેસ્ટ સામેલ) મેચ રમ્યો છે. જેમાં તેણે 49.86ની સરેરાશથી 36 સદીથી 11120 રન બનાવ્યા છે. દિલ્હીની રણજી ટ્રોફી ટીમના સંભવિત ખેલાડીઓની સૂચિમાં કોહલી અને પંત ઉપરાંત નવદિપ સૈની અને આયુષ બડોની સામેલ છે. જ્યારે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા સામેલ નથી. રણજી ટ્રોફીમાં દિલ્હીની પહેલી મેચ 11 ઓક્ટોબરે છત્તીસગઢ વિરુદ્ધ છે. જ્યારે ન્યુઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાને 16 ઓક્ટોબરથી રમવાનું છે. આથી જોવાનું એ રહેશે કે કોહલી અને પંત જેવા સ્ટાર ખેલાડી મેચ પ્રેક્ટિસ માટે રણજી ટ્રોફી રમે છે કે નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang