• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

યુગાન્ડામાં કચ્છી સ્પોર્ટસ ક્લબને માન્યતા

વસંત પટેલ દ્વારા

કેરા (તા. ભુજ), તા. 22 : યુગાન્ડા ક્રિકેટ એસોસીએશન દ્વારા રમાડવામાં આવતી યુગાન્ડા 50 ઓવરની ટૂર્નામેન્ટ માટે કચ્છી સ્પોર્ટ્સ ક્રિકેટ કલબને માન્યતા મળતાં હિજરતી ઇતિહાસમાં સ્વીકારનો નવો અધ્યાય આરંભાયો છે. 1971માં ભારતીયો સહિતના એશિયનોને દેશ છોડી જવા મજબૂર કરનારા યુગાન્ડાએ પોતાની ભૂલ રાષ્ટ્રીય પ્રમુખ મુસેવે સહિતનાની આગેવાનીમાં સ્વીકારી હતી. વેપાર-વણજમાં અગ્રિમ ભારતીયોમાં કચ્છીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, ત્યારે હવે રમતગમતમાં પણ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળતાં આનંદની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં રમાયેલી 50 ઓવરની ક્રિકેટ સ્પર્ધાઓમાં આકર્ષક દેખાવ કરતા કચ્છી ખેલાડીઓએ કચ્છમિત્રને કહ્યું કે, કચ્છી ટાઇગર ટીમ પ્રથમ વખત વિજેતા થઇ છે. કચ્છી માટે ગૌરવની લાગણી છે. વરસોની મેહનત રંગ લાવતાં અંદાજિત 20 વર્ષથી કચ્છી ક્લબ યુગાન્ડા નેશનલ લીગમાં ભાગ લહી રહી છે. કચ્છી સ્પોર્ટસ ક્લબનો યુગાન્ડા ક્રિકેટમાં બહુ મોટો ફાળો છે અને સાથે સાથે ઇન્ટરનેશનલ ખેલાડી તૈયાર કરવા કચ્છીઓની ભૂમિકા તૈયાર થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાંઝાનિયા ક્રિકેટ કલબના ચેરમેન તરીકે સુખપર-રોહાના પ્રેમજીભાઈ કાર્ય કરી રહ્યા છે. આફ્રિકન દેશોમાં ક્રિકેટનો ભારત જેવો માહોલ નથી અને આર્થિક મુશ્કેલીઓ પણ રહે છે. યુગાન્ડાથી અહેવાલ મુજબ  કચ્છી ટાઇગર ક્રિકેટ ટીમ યુગાન્ડા નેશનલ પ્રીમિયર લીગ 2024માં વિજેતા રહી છે તેમજ ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન કચ્છી છે. ઘનશ્યામ આશાણી 24 વિકેટ તથા બેસ્ટ બેટ્સમેન હસીન આશાણી 287 રન સાથે ઉત્કૃષ્ટ હતા. કચ્છી અગ્રણી હસુભાઈ ભુડિયા, શિવજીભાઈ હીરાણી, નીતિનભાઈ વેકરિયા, અરાવિંદભાઈ વેકરિયા, લાલજીભાઈ ગોંડલિયા, રમેશભાઈ હાલાઇએ કચ્છી સપોર્ટસ ક્લબને અભિનંદન આપ્યા હતા. કચ્છી સ્પોર્ટસ ક્લબના તમામ કમિટી મેમ્બર પરેશભાઈ ગોંડલિયા, અલ્પેશભાઈ હીરાણી, નંદકિશોર પટેલ, કાંતિભાઈ વેકરિયા, નરેન્દ્રભાઈ હાલાઇ તથા ભરત વરસાણી સહિત અનેક આગેવાનો અને કચ્છી સંસ્થાઓ સહિયારા પ્રયત્નથી સામેલ થઈ રહ્યા છે. સ્થાનિક કચ્છમાં પણ લેવા પટેલ ચોવીસીમાં વોલીબોલ, ક્રિકેટ સહિતની રમતોનો માહોલ રહેતો હોય છે, ત્યારે યુગાન્ડામાં મળેલા સ્વીકારને જાણકારો આવકારી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang