• બુધવાર, 22 મે, 2024

જીતના પાટે પરત ચડવા રમશે પંજાબ અને ગુજરાત

મુલ્લાંપુર, તા. 20 : સતત હાર બાદ પોઇન્ટ ટેબલમાં નીચે ખસેલી પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ આઇપીએલમાં રવિવારે આમનેસામને હશે ત્યારે બન્નેનો ઈરાદો જીતના ટ્રેક ઉપર પરત ફરવાનો રહેશે. પૂર્વ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છેલ્લી મેચમાં દિલ્હી સામે હાર્યા બાદ આઠમા સ્થાને છે. દિલ્હીએ ગુજરાતને 89 રનમાં ઢેર કર્યું હતું અને આ ચાર મેચમાં ત્રીજી હાર હતી. પંજાબ કિંગ્સ પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. જેને મુંબઈ ઇન્ડિયન્સે નવ રને હરાવ્યું હતું. જીત માટે 193 રનના લક્ષ્યનો પીછો કરતા ચાર વિકેટ 14 રને ગુમાવી દીધી હતી. જો કે આશુતોષ શર્મા અને શશાંક સિંહે ટીમને મેચમાં પરત લાવી હતી. સાત મેચમાં પાંચ હાર અને બે જીતનાં કારણે ટીમનો આત્મવિશ્વાસ ડગેલો છે જો કે વિરોધી ટીમની પણ આવી જ સ્થિતિ છે. પંજાબને શિખર ધવનની કમી નડી રહી છે. તે રવિવારે પણ રમી શકે તેમ નથી. આ દરમિયાન સેમ કરન કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. ધવને પાંચ મેચમાં 152 રન બનાવ્યા છે પણ તેની હાજરી ટીમ માટે ટોનિકનું કામ કરે છે. પ્રભસિમરન, લિયામ લિવિંગ્સટોન અને રિલી રુસો જેવા બેટ્સમેન ખરા ઉતર્યા નથી. ગુજરાતે પણ અત્યારસુધીમાં ત્રણ મેચ જીત્યા અને ચાર ગુમાવ્યા છે. દિલ્હી સામે શરમજનક પ્રદર્શન ભૂલીને ગુજરાતથી ટીમે નવી શરૂઆત કરવી પડશે. કેપ્ટન શુભમન ગીલ, સાઈ સુદર્શન, ડેવિડ મિલર અને રાશિદ ખાન જેવા સ્ટાર ખેલાડીઓની હાજરી છતા ટીમ સારું પ્રદર્શન કરી શકી નથી. બોલિંગમાં શમીની કમી રહી છે જ્યારે ઉમેશ યાદવ મોંઘો સાબિત થઈ રહ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang