• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હૈદરાબાદનું ફરી રનતોફાન : દિલ્હીને કચડયું

દિલ્હી, તા. 20 : રનોના રમખાણ મચાવવાનું જારી રાખીને હૈદરાબાદે આજે અહીં દિલ્હી પર 67 રને ભવ્ય જીત મેળવી હતી. ટ્રેવિસ હેડના 32 દડામાં ધુંઆધાર 89 અને અભિષેક શર્મામાં 12 દડામાં વિસ્ફોટક 46 રનની મદદથી 266 રન ખડકયા બાદ ટી. નટરાજન (19 રનમાં ચાર વિ.) એન્ડ કંપનીએ દિલ્હીને 19.1 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ કર્યું હતું અને જેક ફ્રેઝર-મેકગર્કના 18 દડામાં ઝંઝાવાતી 65 રન એળે ગયા હતા.વોર્નર (1)ની વહેલી વિદાય બાદ જેક અને પૃથ્વી શો (5 દડામાં 16 રન)એ ધુંઆધાર બેટિંગ કરી હતી. જેકે સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. પણ 109ના સ્કોરે તે આઉટ થયા બાદ દિલ્હીનો દાવ લથડયો હતો. અભિષેક પોરેલે 22 દડામાં 42 રન કર્યા હતા. રિષભ પંત (35 દડામાં 44 રન) ઝડપી રમી શક્યો નહોતો. નીતિશ રેડ્ડીએ 17માં બે અને મયંક માર્કેન્ડેએ 26માં બે વિ. ઝડપી હતી. અગાઉ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા પહેલી ઓવરથી જ રનોની આતશબાજી શરૂ કરી દીધી હતી. ટ્રાવિસ હેડ અને અભિષેક શર્માએ પહેલી પાંચ ઓવરમાં જ 105 રન ઝુડી કાઢ્યા હતા અને પાવર પ્લેમાં વિક્રમી 125 રન કર્યા હતા. જોતજોતામાં બન્ને વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી અને એક સમયે હૈદરાબાદનો સ્કોર 300ની પણ ઉપર પહોંચશે તેવું લાગી રહ્યું હતું. જો કે કુલદીપ યાદવે શરૂઆતી ત્રણ વિકેટો લઈને હૈદરાબાદના સ્કોર ઉપર અમુક અંશે બ્રેક મુકી હતી. મેચમાં ટ્રાવિસ હેડે 39 દડામાં તોફાની 89 રન કર્યા હતા. અને 11 ચોગ્ગા તેમજ છ છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ અભિષેક શર્માએ માત્ર 12 બોલમાં 2 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 46 રન કર્યા હતા.અંતિમ ઓવરમાં શાહબાઝ અહેમદ પણ ઝળક્યો હતો અને 29 બોલમાં 2 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 59 રન કર્યા હતા. અભિષેક શર્માની વિકેટ સાતમી ઓવરના બીજા બોલે 131 રનના  કુલ સ્કોરે પડી હતી. જ્યારે  સાતમી ઓવરના જ અંતિમ બોલે કુલદીપ યાદવે એડન માર્કરમને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. બાદમાં 154 રનના કુલ સ્કોરે ટ્રાવિસ હેડ પણ કુલદીપ યાદવની ફિરકીનો શિકાર બન્યો હતો. તેણે 32 બોલમાં તાડબતોડ 89 રન કર્યા હતા. જોતજોતામાં  ત્રણ વિકેટ પડયા બાદ અક્ષર પટેલ ત્રાટક્યો હતો. જેણે હૈદરાબાદના વધુ એક શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન હેનરીક ક્લાસેનને 15 રનના અંગત સ્કોરે બોલ્ડ કરી દીધો હતો.  બાદમાં નીતીશ રેડ્ડી અને શાહબાઝ અહમદ વચ્ચે પાર્ટનરશીપ બની હતી. બન્નેએ સાથે મળીને હૈદરાબાદનો સ્કોર 250 નજીક લાવ્યો હતો. આ દરમિયાન કુલદીપ યાદવે ચોથી વિકેટના રૂપમાં નિતિશ રેડ્ડીનો શિકાર કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang