• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

વૈદિક સંસ્કૃતિનાં જતન સાથે ડિજિટલ શિક્ષણ

ભુજ, તા. 19 : જ્યારે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ અને આધુનિક યુગની હાઇટેક ટેકનોલોજી એકસાથે ભળે ત્યારે કેવું અદ્ભુત પરિણામ આવે, તેનું જીવંત ઉદાહરણ અબડાસાના ભવાનીપુરમાં જોવા મળે છે. જેના વિવિધ પ્રકલ્પો- ઉદ્ઘાટન સમારોહ આગામી તારીખોમાં યોજાશે પરંતુ એ પહેલાં જાણીએ આ પરંપરાની ઝાંખી વિષે. સંત હરભોલે બાપા દ્વારા સ્થાપિત સંત શ્રી ઓધવરામ વૈદિક ગુરુકુળ સંસ્થા આજે એક નવા જ સ્વરૂપમાં ખીલી રહી છે. આઈ.આઈ.ટી.ના સ્નાતકો, આર્કિટેક્ટ્સ, ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓ સૌ સાથે મળીને આ ગુરુકુળને એક આધુનિક અને વૈદિક શિક્ષણના સંગમ તરીકે સ્થાપિત કરી રહ્યા છે. અહીં માત્ર પુસ્તકીયું જ્ઞાન ગોખાવવામાં નથી આવતું, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીને તેમને આત્મનિર્ભર અને ચારિત્ર્યવાન બનાવવામાં આવે છે.

એક તરફ વિદ્યાર્થીઓ સંસ્કૃત, વેદ, શ્લોકના પાઠ ભણે છે તો બીજી તરફ ગણિત, વિજ્ઞાન અને આધુનિક તકનીકોનું પ્રાયોગિક જ્ઞાન પણ મેળવે છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે સંસ્થામાં વિશેષ `સેન્ટર ઓફ એક્સેલન્સ' ઊભું કરવામાં આવ્યું છે. અહીં થ્રી-ડી પ્રિન્ટર, ડ્રોન માકિંગ, રોબોટિક્સ અને કાડિંગ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માત્ર માનસિક કે બૌદ્ધિક રીતે જ નહીં, પણ શારીરિક અને વ્યાવહારિક રીતે પણ સક્ષમ બને તે માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ, સુથારીકામ તેમજ પરંપરાગત કૌશલ્યોની તાલીમ પણ આપવામાં આવે છે. પ્રકૃતિનાં સાનિધ્યમાં રહીને તેઓ ખેતી અને બગીચાની માવજત કરતા શીખે છે, જે તેમને જમીન સાથે જોડી રાખે છે.

પ્રતિભાની ચમક અને આવિષ્કાર

તાજેતરમાં જ, માત્ર આઠ વર્ષની નાની વયના એક વિદ્યાર્થીએ પોતાની બુદ્ધિપ્રતિભાથી અંધજનો માટે ઉપયોગી એવી `ઇલેક્ટ્રોનિક્સ બ્લાઇન્ડ સ્ટિક' (સેન્સર બોર્ડથી સજ્જ લાકડી) જાતે બનાવીને સૌને ચોંકાવી દીધા હતા. કચ્છ કાર્નિવલ દરમિયાન ગુરુકુળના વિદ્યાર્થીઓએ કાચાં સાધનો સાથે મલખમ અને પિરામિડનું પ્રદર્શન કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું, જે તેમની કઠોરતામાં સફળતાની સાબિતી આપે છે.

ફૂડ ફોરેસ્ટ અને નેચર ફ્રેન્ડલી સ્કૂલ

108 મણકાની માળા દાતા યોજના હેઠળ નેચર ફ્રેન્ડલી શાળાનાં નિર્માણ માટે સવા લાખના 108 દાતાઓની આહ્વાન યોજના ચાલી રહી છે, જેમાં અત્યાર સુધી 51 દાતાઓ જોડાઈ ચૂક્યા છે. ખાસ વાત એ છે કે, ચબરખીઓ કાઢીને મુખ્ય અને સહાયક દાતાઓની નામાંકન પ્રક્રિયા કરાશે, જેથી સામાન્ય દાતા પણ ભવનના મુખ્ય દાતા તરીકેનું સન્માન હાંસલ કરી શકશે.

Panchang

dd