• રવિવાર, 12 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાની બાવન બેઠક માટે 189 ઉમેદવાર

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ મહાનગરપાલિકાની બાવન બેઠકની ચૂંટણી માટે 189 ઉમેદવારીપત્ર ભરાયાં છે. ભાજપ દ્વારા અલગ-અલગ વોર્ડમાં અને કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જ્યારે કોંગ્રેસમાં સવારથી સાંજ સુધી અસંતોષ અને આંતરિક કલહ ચાલ્યો હતો. તેનાં કારણે અનેક ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. ઉમેદવારી પત્ર ભરવાનો સમય વીતી ગયા પછી પણ કોંગ્રેસ તેના ઉમેદવારોનું લિસ્ટ આપવામાં નિષ્ફળ રહી છે. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની રીતસર ફજેતી થતી હોવાનું સામે આવી રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર એકમાં 20, બેમાં તેર, ત્રણમાં નવ, ચારમાં આઠ, વોર્ડ નંબર પાંચમાં 15, વોર્ડ નંબર છમાં સૌથી વધુ 25, સાતમાં 22, આઠમાં તેર, નવમાં 20, વોર્ડ નંબર 10માં 13, 11માં 8, વોર્ડ નંબર 12માં નવ, વોર્ડ નંબર 13માં 13 સાથે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 189 ઉમેદવારી ફોર્મ ભરાયાં હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપના ઉમેદવાર ફોર્મ ભરતાં હતાં, ત્યારે ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, ભાજપના નેતા મોમાયાભા ગઢવી, પ્રભારી ઉમેશ સોની, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ આશિકાબેન ભટ્ટ  સહિતના અગ્રણીઓ સાથે જોવા મળ્યા હતા, પરંતુ કોંગ્રેસમાં તો ટેકેદારો શોધવા માટે ઉમેદવારો બહાર આંટાફેરા કરી રહ્યા હતા, તેના ચક્કરમાં ફોર્મ પણ સમયમર્યાદામાં ભરી શક્યાં ન હતાં. વોર્ડ નંબર એકથી પાંચમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે આઇસીડીએસ ઘટક બે ખાતે ભારી ભીડ જોવા મળી હતી. પક્ષના કાર્યકર્તાઓ ત્યાં કતારબધ હાજર રહ્યા હતા. મામલતદાર કચેરીમાં તો મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓનો જમાવડો લાગ્યો હતો, જે લોકોને એસીમાં બેસવાની ટેવ હોય છે તે પણ મામલતદાર કચેરીમાં છાપરા નીચે ઊભેલા જોવા મળ્યા હતા, તો મહાનગરપાલિકા ખાતે વોર્ડ નંબર 10થી વોર્ડ નંબર 13ના ઉમેદવારીપત્રો ભરતી વખતે ભાજપના ઉમેદવારોએ શાંતિથી પ્રક્રિયા પૂર્ણ કરી હતી, પરંતુ કોંગ્રેસમાં અંદર અને કચેરી બહાર વિરોધ થઈ રહ્યો હતો. કોંગ્રેસનો ત્રણેય જગ્યા ઉપર આંતરિક વિરોધ બહાર આવ્યો હતો. સ્થિતિ તેમના માટે કપરી બની ગઈ છે. બાવન ઉમેદવારનું લિસ્ટ પણ કોંગ્રેસ જાહેર કરી શક્યું નથી. ઉમેદવારોને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાનું કહેતાં કેટલાય ઉમેદવારો પાસે જરૂરી દસ્તાવેજનો અભાવ જોવા મળ્યો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન અનેક ઉમેદવાર ઉપર લટકતી તલવાર છે. ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી શહેરના માર્ગો ટ્રાફિકથી ધમધમ્યા હતા. ખાસ કરીને સરકારી કચેરીઓમાં રજાનો દિવસ હતો તેમ છતાં વ્યાપક ચહેલપહેલ જોવા મળી હતી. કોંગ્રેસની સ્થિતિને જોઈને ભાજપ સહિતના અન્ય રાજકીય પક્ષોએ ચૂટકીઓ પણ લીધી હતી. ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. બાવન બેઠક માટે 189 ફોર્મ ભરાયાં હોવાનું સામે આવી રહ્યું છે. મોડે સુધી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. કોંગ્રેસના ઉમેદવારીપત્રો ભરતી વખતે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતન જોશી સહયોગી રહ્યા હતા. - કોંગ્રેસના ત્રણ ઉમેદવાર ફોર્મ ભરી શક્યા નહીં  : કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સમયસર ઉમેદવારીપત્ર ભરવા પહોંચી શક્યા નથી, જેનાં કારણે વિચિત્ર સ્થિતિ પેદા થઈ હતી. મહાનગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર 11નું ઉમેદવારીપત્ર ભરવા આવેલા પ્રદીપકુમાર સમયસર પોતાનું ફોર્મ ભરી શક્યા નથી. ત્રણ વાગ્યા પછી અધિકારીઓએ ફોર્મ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી, તો વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારીપત્ર ભરવા આવેલા સમીરભાઈ દાવડા ફોર્મ ભરવા ત્રણ વાગ્યા પછી પહોંચતાં અધિકારીઓએ તેમનું ફોર્મ સ્વીકાર્યું નહીં, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારને વોર્ડ નંબર ત્રણમાં ફોર્મ ભરવાનું હતું તે તેમણે આઇસીડીએસ ખાતે જમા કરાવવાનું હતું તેના બદલે મામલતદાર કચેરી ખાતે તેમણે ફોર્મ જમા કરાવ્યું હતું, ત્યાર પછી અધિકારીઓએ તે ફોર્મ સ્વીકાર્યું નથી, જેનાં કારણે ત્રણ ઉમેદવાર પોતાની ઉમેદવારીની દાવેદારી કરી શક્યા નથી, તેમાં કોંગ્રેસનું અણઘડ આયોજન છે, તેવું ખુદ પક્ષના કાર્યકરો કહી રહ્યા છે.  

Panchang

dd