• રવિવાર, 12 એપ્રિલ, 2026

નખત્રાણામાં ફોર્મ ભરવા ઉમેદવારોનો ભારે ધસારો

નખત્રાણા, તા. 11 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે નખત્રાણા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો તથા ટેકેદારો મોટી સંખ્યામાં ઊમટી પડતાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્રની હાજરી વચ્ચે શાંતિપૂર્ણ રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. નખત્રાણાની નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના ચાર વર્ષ બાદ સૌપ્રથમ યોજાનાર ચૂંટણીથી નખત્રાણા તથા જૂથ પાલિકાઓના મોટી વિરાણી, નાની વિરાણી, સુખપર, બેરૂ, નાના નખત્રાણા, ગણેશનગર સહિત સાત ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.  પાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ પક્ષ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં  હતાં.  ભાજપે તમામ 28  બેઠક માટે ફોર્મ ભર્યાં હતાં, જ્યારે કોંગ્રેસ પક્ષના 26 ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. નિરોણા જિ.પં.ની બેઠક  ઉપર ભાજપ દ્વારા ભૂપતસિંહ મમુજી જાડેજાનું નામ જાહેર કરાયા બાદ છેલ્લી ઘડીએ નિરોણા બેઠક પર ઉમેદવારનાં નામમાં ફેરફાર કરાતાં ભૂપતસિંહ જાડેજાને પક્ષ દ્વારા મેન્ડેટ અપાતાં નિરોણા બેઠક પર ઘનશ્યામસિંહ જાડેજા, નેત્રા બેઠક પર સરોજબા બહાદુરસિંહ જાડેજા, વિથોણ બેઠક પર દિનેશભાઇ ગોપાલ રૂડાણી તથા કોટડા (જ.) બેઠક પર મંજુલાબેન મૂળજી ચાવડાએ ભાજપ તરફથી, તો કોંગ્રેસ પક્ષ તરફથી નેત્રા  બેઠક પર નેહાબેન અશ્વિન રૂપારેલ, નિરોણામાં રાજેશભાઇ મમુભાઇ આહીર, વિથોણમાં હંસરાજભાઇ ભાણજી પારસિયા તથા કોટડા (જ.)ની બેઠક પર મહેશ્વરી ભાવનાબેન મંગલભાઇએ ઉમેદવારીપત્ર રજૂ કર્યું, જ્યારે તા.પં.ની દેશલપર (ગું.)ની બેઠક પર પૂર્વ કા. ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, રવાપરની બેઠક પર પૂર્વ તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલના પતિ રાજેશભાઇ રામજી પટેલ સહિત તા.પં.ની બેઠક પર ભાજપ તથા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં. કોંગ્રેસ તરફથી અશ્વિનભાઇ રૂપારેલે રવાપર તા.પં.ની બેઠક પર દાવેદારી નોંધાવી હતી. અન્ય 17 નવા ચહેરાએ ઉમેદવારીપત્ર રજૂ કર્યાં હતાં. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત રાજકીય પાર્ટીઓના પ્રમુખ, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. - નખત્રાણા નગરપાલિકામાં ભાજપે બે બેઠક બિનહરીફ મેળવી : નવરચિત નખત્રાણા નગરપાલિકાની પ્રથમવાર યોજાનાર ચૂંટણીમાં ભાજપે બે બેઠક બિનહરીફ મેળવી ખાતું ખોલાવ્યું હતું. વોર્ડ-4માં મનન કલ્પેશ લુહાર અને વોર્ડ-5માં મધુબેન ચંદુભાઇ સુથાર સામે અન્ય કોઇ ઉમેદવારોએ ફોર્મ ન ભરતાં બંને બિનહરીફ ચૂંટાઇ આવતાં કેસરિયા પાર્ટીમાં આગોતરો હર્ષોલ્લાસ છવાઇ ગયો હતો. 

Panchang

dd