નલિયા, તા. 11 : અબડાસા જિલ્લા પંચાયત અને તાલુકા
પંચાયતની સામાન્ય ચૂંટણીનાં ફોર્મ ભરવાના અંતિમ દિવસને લઈને અબડાસા તાલુકાનાં મુખ્ય
મથક નલિયામાં ભારે ઉત્સાહ અને મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા પંચાયત મામલતદાર
ઓફિસ અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા.
તેમની સાથે સમર્થકો અને ટેકેદારો પણ આવ્યા હોવાથી કચેરી બહાર ભીડ જામી હતી. ગામડાંઓમાંથી
આવેલા લોકો ચાની કીટલીઓ પર રાજકીય ગરમાવો અનુભવતા જોવા મળ્યા હતા. અબડાસા તાલુકા પંચાયતની
કુલ 18 બેઠક માટે 89 જેટલા ઉમેદવારે પોતાની દાવેદારી
નોંધાવી છે, જે દર્શાવે છે કે,
આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સારો એવો જંગ ખેલાશે. જિલ્લા પંચાયતની અબડાસા તાલુકાની ત્રણ બેઠક-નલિયા,
મોથાળા અને વાયોર માટે કુલ 17 દાવેદારે ફોર્મ ભર્યાં હતાં. અંતિમ દિવસ હોવાના કારણે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અઈંખઈંખ પાર્ટીએ પણ અમુક
બેઠકો પરથી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, હવે ફોર્મ
ચકાસણી પ્રક્રિયા અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં ટકે છે
તેના પર સૌ કોઈની નજર રહેશે. નલિયા જિલ્લા
પંચાયત બેઠક પરની આતુરતાનો અંત આવ્યો હતો. ભાજપ દ્વારા અગાઉ સત્તાવાર જાહેરાત નહોતી
થઈ. આ બેઠક પર ગત તાલુકા પંચાયતમાં વરાડિયા બેઠક પરથી ચૂંટાયેલા અને અઢી વર્ષ તાલુકા
પ્રમુખ રહી ચૂકેલા આરીખાણાના મહાવીરાસિંહ જાડેજાએ પોતાનો દાવો રજૂ કર્યો હતો. ફોર્મ
ભરતી વખતે તેમને ભાજપ તરફથી મેન્ડેટ મળ્યો હતો અને પાર્ટી દ્વારા ટેલિફોનિક જાણ કરાઈ
હતી. આ સાથે નલિયા જિલ્લા પંચાયત બેઠક પર મહાવીરાસિંહ જાડેજાનું નામ નિશ્ચિત બન્યું
છે.