મુંબઈ, તા. 11 : દિગ્ગજ ગાયિકા 92 વર્ષીય આશા ભોસલેની તબીયત લથડી
હતી. તેમને હાર્ટએટેક આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના ઈમર્જન્સી મેડિકલ યુનિટમાં આશાની
સારવાર હાથ ધરવામાં આવી છે. આ સમાચાર પ્રસરતાં ગાયિકાના પ્રશંસકો અને નજીકના વર્તુળોમાં
ચિંતા પ્રસરી છે. દેશભરમાં આશાતાઈ જલ્દી સ્વસ્થ બને તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે. દરમ્યાન, આશા ભોસલેના પૌત્રી ઝનાઈ ભોસલેએ તેમનાં સ્વાસ્થ્ય
અંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મારાં દાદી,
આશા ભોસલેને થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યાં છે. અમે સૌને આગ્રહ કરીએ છીએ કે, અમારી પ્રાઈવસીનું ધ્યાન
રાખવામાં આવે. તેમની સારવાર ચાલી રહી છે અને આશા છે કે, બધું
બરાબર થઈ જશે. આશા ભોસલેનો જન્મ સંગીત સાથે સંકળાયેલા પરિવારમાં થયો હતો. તેઓ દીનાનાથ
મંગેશકર અને શેવંતી મંગેશકરના પુત્રી છે. તેમના પિતાના મૃત્યુ પછી આશા ભોસલેએ ગાવાનું
શરૂ કર્યું હતું. તેમનું પહેલું ગીત `માઝા બલ' ફિલ્મનું
`ચલા ચલા નવ બલા હૈ' હતું. તેમણે `સાવન આયા' ગીતથી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ
`ચુરા લિયા હૈ', `મેરા કુછ
સામાન', `િદલ ચીજ ક્યા
હૈ', `રાધા કૈસે
ના જલે', `શરારા', `કભી તો નજર
મિલાઓ' અને `સપને મેં મીલતી હૈ' સહિત તેની કારકિર્દીમાં અસંખ્ય હિટ ગીતો આપ્યાં છે. ફિલ્મમાં પણ કામ કર્યું
છે આશાજીએ અભિનયમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. 2013માં તેઓ મરાઠી ફિલ્મ `માઈ'માં જોવા મળ્યાં હતાં. ગાયન અને અભિનય ઉપરાંત, આશા ભોસલે
એક શાનદાર રસોઈયા પણ છે. વધુમાં તેઓ દુબઈ અને કુવૈતમાં ઘણી પ્રખ્યાત રેસ્ટોરેન્ટની
માલિકી ધરાવે છે. - આશાતાઈને
અનેક સન્માન : આશાને સંગીતમાં
તેમનાં યોગદાન બદલ ભારતના અનેક સર્વોચ્ચ નાગરિક અને સિનેમેટિક પુરસ્કારોથી સન્માનિત
કરવામાં આવ્યાં છે. તેમને 2000માં દાદાસાહેબ
ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મવિભૂષણથી
સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તેમણે ઉમરાવ જાન અને ઇજ્જત ફિલ્મોમાં તેમની
ભૂમિકાઓ માટે બે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે.