ભુજ, તા. 11 : આજે શિક્ષક એવા બુરહાનખાન આમીનખાન
અંસારી ભીરંડિયારાથી સરગુ પ્રાથમિક શાળાએ જતા હતા,
ત્યારે ધસમસતા આવતા ટ્રેઈલરે તેને અડફેટે લેતાં બન્ને પગ કચડાયા હતા. આ અંગે બુરહાનખાનના ભાઈ અરબાજે ધોરડો પોલીસ
મથકે જાહેર કરેલી વિગતો મુજબ આજે સવારે તેના ભાઈ બુરહાનખાનનો તેમને ફોન આવ્યો હતો અને
અકસ્માત થયાનું જણાવી જલ્દી આવવા કહ્યું હતું. આથી ત્યાં પહોંચતાં ભાઈના બન્ને પણ કચડાયેલા
હતા, ત્યાં ટ્રેઈલર નં. જી.જે. 12 સીટી 9621 ઊભું હતું. ભાઈને એમ્બ્યુલન્સ
મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં જમણો પગ કપાઈ ગયો હતો અને ડાબા પગમાં પણ
ઘૂંટણથી નીચેના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ભાઈ બુરહાનખાન શિક્ષક છે, આજે સવારે 7.20 વાગ્યે શાળાએ જવા ભંડારીવાઢના
બસ સ્ટેશન નજીક ઊભા હતા, ત્યારે ઉપરોક્ત
ટ્રેઈલરના ચાલકે પૂરપાટ, બેદરકારીથી ટ્રેઈલર ચલાવી તેને અડફેટે
લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે
કે, શુક્રવારે પણ લોરિયા ચેકપોસ્ટ પાસે જીપકાર અને ટ્રેઈલર વચ્ચે
સર્જાયેલા અકસ્માતમાં એક યુવાને જીવ ખોયો હતો. ભુજ - ખાવડા માર્ગે બેફામ દોડતાં ભારે
વાહનો થકી આવા ગંભીર અકસ્માતથી લોકોમાં રોષ ફેલાયો છે.