ભુજ, તા. 11 : મૂળ દાહોદ બાજુનો 39 વર્ષીય શ્રમિક કનુભાઈ કમજીભાઈ
ભુરિયાને મજૂરી કામ દરમ્યાન ફીટ આવતા તે પાણીની ચેનલમાં પડીને ડૂબી જતા તેનું મૃત્યુ
નીપજ્યું હતું. બીજી તરફ માંડવીમાં 38 વર્ષીય યુવાન ઉઠાર અકબર મામદે આજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
હતો. પદ્ધર પોલીસ મથકે મૃતક કનુભાઈના નાનાભાઈ શૈલેષભાઈએ જાહેર કરેલી વિગતો મુજઅબ નાડાપાની
ઓમ માઈનકેમની કંપનીમાં ગત તા. 10/4ના સવારે
તેના ભાઈ કનુભાઈ (રહે. મૂળ ખગેલા, તા. જિ.
દાહોદ) ફેકટરીમાં મજૂરી કામ કરતા હતા ત્યારે ફીટ આવતા પ્લાન્ટની પાણીની ચેનલમાં પડી
ગયા હતા આથી તેને બહાર કાઢી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ
પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી
છે. બીજી તરફ માંડવીના મફતનગરીમાં રહેતા અકબરે આજે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના
ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેને માંડવીની સરકારી હોસ્પિટલમાં સેડાતા ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યાની વિગતો પ્રાપ્ત થઈ છે.