• રવિવાર, 12 એપ્રિલ, 2026

20 વર્ષ પૂર્વેના ભચાઉના લાંચના કેસમાં તલાટી નિર્દોષ

ભુજ, તા. 11 : વીસેક વર્ષ પૂર્વે ભચાઉ (મહેસૂલ) શાખાના તલાટી સહ મંત્રીના એસીબીના લાંચના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ નવેમ્બર - 2006માં ધોળાવીરાની જમીનની નોટિસ બાદ બન્ને પક્ષમાં મામલતદાર કચેરી બહાર સમાધાન થયા બાદ આ જમીન શ્રી સરકાર દાખલ નહીં કરવા 5000ની લાંચ  આરોપી એવા તલાટી-સહ મંત્રીએ માગતાં ફરિયાદીએ લાંચ-રૂશ્વત ખાતામાં ફરિયાદ કરતાં ગોઠવાયેલા છટકામાં આરોપી લાંચની રકમ સ્વીકારતા  પકડાઈ જતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરવામાં આવી હતી. આ કેસ ભચાઉ અધિક સેશન્સ જજ અને સ્પે. જજ એસીબીની અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી પાંચ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. ફરિયાદ પક્ષ આરોપી સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો છે. આરોપી તરફે વકીલ તરીકે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા, ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, દેવરાજ કે. ગઢવી, હેતલ દવે, નરેશ ચૌધરી, પ્રશાંત રાજપૂત હાજર રહ્યા હતા. - વીજ અકસ્માતમાં ઘાયલને 28.92 લાખ ચૂકવવા આદેશ : રેહાના રાજેન્દ્રસિંહ ગોરધનજી સોઢા ઈલેક્ટ્રિક હેલ્પર તરીકે વીજ કચેરીના કોન્ટ્રાકટર ખેતશી રવજી ચાવડા પાસે નોકરી કરતા હતા. તા. 1/8/17ના પીજીવીસીએલ કચેરી ભુજના જુનિયર ઈજનેર અજય શાંતિલાલ જેઠવાએ કોન્ટ્રાક્ટરને ટ્રાન્સફોર્મર બદલવા કામ સોપ્યું હતું. આથી રાજેન્દ્રાસિંહ મજૂરો સાથે ગયા હતા. કોન્ટ્રાકટરે જુનિયર ઈજનેરની સૂચનાથી લાઈન બંધ હોવાનું જણાવી તેમને થાંભલા પર ચડાવ્યા હતા, જે દરમિયાન તેમને જમણા હાથમાં વીજ કરંટ લાગતાં નીચે પડી ગયા હતા. તેમની હોસ્પિટલમાં સારવાર કરાવતા ડોક્ટરો દ્વારા કમર સુધીનો ભાગ ખોટો થઈ ગયો હોવાથી હલનચલન કરી શકશે નહીં તેમ જણાવાયું હતું. કચેરી અને તેના જુનિયર ઈજનેર તથા કોન્ટ્રાક્ટરની બેદરકારીનાં કારણે અકસ્માત થયેલો હોઈ ઇજાગ્રસ્ત કામદાર દ્વારા સિનિયર સિવિલ જજ ભુજ સમક્ષ નુકસાની વળતર દાવો દાખલ કરાયો હતો, જેમાં અદાલતે કામદારને 28,92,800 રૂપિયા દાવાની તારીખથી સાત ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો. રકમ 60 દિવસમાં કોર્ટમાં જમા કરાવાનો ચુકાદો આપ્યો હતો. વાદી વતી એડવોકેટ અવનીશ જે. ઠક્કર, સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.  - માંડવીની દુકાનના વિવાદમાં અપીલ મંજૂર  : માંડવીના કે.ટી. શાહ રોડ ઉપર આવેલી દુકાન મ્યુનિ. પ્રોપર્ટી નં. 3437 અંગે સ્વ. જેવંતલાલ દામજીના વારસદારો શાહ ચંદનબેન નાનાલાલ સહિતનાઓએ માંડવીની સિવિલ કોર્ટમાં ગીરો છોડાવવાનો દાવો કર્યો હતો અને નામદાર નીચેની કોર્ટના જજમેન્ટ અને હુકમનામાં સામે પ્રતિવાદી અજિતકુમાર રમણીકલાલ પટવાએ જિલ્લા અદાલત ભુજમાં અપીલ કરી હતી, તેમાં  નીચેની કોર્ટનો હુકમ રદ કરવામાં આવ્યો છે અને અંશત: અપીલ મંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમાં એપેલન્ટના દસ્તાવેજને કાયદેસરનો કોર્ટે માન્યો નથી. એપેલન્ટ તરફે એડવોકેટ ભરતભાઈ શેઠ તથા હરેશભાઈ જે. જોશી હાજર રહ્યા હતા.  

Panchang

dd