નવી દિલ્હી, તા. 11 : દેશમાં પેન્શન
મેળવતા લાખો નિવૃત્ત કર્મચારીઓને લાભ આપતા નિર્દેશમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું
કે, રાજ્યો મોંઘવારી ભથ્થાં વધારતી વખતે કર્મચારીઓ
અને પેન્શનરો વચ્ચે ભેદભાવ ન કરી શકે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી.
વરાલેની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકારો પેન્શનરોને
મળતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં કરતાં ઓછો રાખી શકે નહીં.
કોર્ટે અવલોકન કર્યું કે, મોંઘવારી સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીને
સમાન રીતે અસર કરે છે, તેથી તેમની વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની
કલમ 14 (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન
છે. આ નિર્ણય બાદ હવે સરકારો પેન્શનરો સાથે મોંઘવારીના લાભો બાબતે અન્યાય કરી શકશે
નહીં. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું
કે, મોંઘવારી ભથ્થાંનો હેતુ વધતી કિંમતો અને જીવનનિર્વાહના
ખર્ચ સામે રક્ષણ આપવાનો છે. કેરળ સરકારે નબળી નાણાકીય સ્થિતિનું બહાનું કાઢીને પેન્શનરોને
ઓછી રાહત આપવાની દલીલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાણાકીય મુશ્કેલીઓ ચૂકવણીમાં
વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ તે બે સમાન જૂથો વચ્ચે ભેદભાવ
કરવાનું બહાનું બની શકે નહીં. આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને
માન્ય રાખ્યો છે અને જણાવ્યું છે કે, લોકકલ્યાણકારી રાજ્યમાં
નિવૃત્ત લોકોનાં હિતોની અવગણના ન થઈ શકે. આ નિર્ણય દેશભરના સરકારી પેન્શનરો માટે રક્ષણ
સમાન સાબિત થશે, કારણ કે, હવે કોઈ પણ રાજ્ય
સરકાર પગાર સુધારણા કે મોંઘવારી ભથ્થાંની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ભેદભાવ કરતા
પહેલા સો વાર વિચાર કરશે. પેન્શનરો માટે આ એક મોટી રાહત છે જે તેમને આર્થિક રીતે સશક્ત
બનાવશે. ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓ તેમજ પેન્શનરો મોંઘવારી ભથ્થું
તેમજ મોંઘવારી રાહત વધવાની આતૂરતાભેર રાહ જોઇ રહ્યા છે. સરકાર સામાન્ય રીતે હોળીની
આસપાસ ફેંસલો લેતી હોય છે, પરંતુ આ વખતે હોળીને એક મહિના કરતાં
પણ વધુ સમય વીતી ગયા પછીયે કોઇ નિર્ણય લેવાયો નથી.