ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ
મહાનગરપાલિકાની ચૂંટણી માટેની ટિકિટ બટવારા સહિતની પ્રક્રિયામાં કોંગ્રેસનો આંતરિક
ખટરાગ ખૂલી ને સામે આવ્યો છે. યૂથ કોંગ્રેસ દ્વારા યુવાઓને ટિકિટ ન આપવામાં આવતાં જિલ્લા
પ્રમુખ અને ગાંધીધામ શહેર પ્રમુખનું રાજીનામું માગવામાં આવ્યું છે. ગાંધીધામ કોંગ્રેસ
દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. ખાસ
કરીને પ્રદેશ પ્રમુખની 50 ટકા
યુવાઓને આપવાની વાત હતી, તેનું પાલન ગાંધીધામમાં થયું નથી. કચ્છ
જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ મુસ્તાક સોઢાની પણ ટિકિટ કાપવામાં આવી છે અને તેમણે
શનિવારે મહાનગરપાલિકા કચેરી બહાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ અને ગાંધીધામ
શહેર પ્રમુખ ભરત ગુપ્તા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમના રાજીનામાઓની માંગ કરી
હતી. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ભાજપને જીત અપાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. આયોજન વગરની આખી પ્રક્રિયા થઈ છે, જેના કારણે જવાબદારો ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. જિલ્લા પ્રમુખ અને શહેર
પ્રમુખ રાજીનામું આપે અથવા તો પ્રદેશ પ્રમુખ દ્વારા આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવે
તેવી માંગ કરવામાં હતી. મહાનગરપાલિકા કચેરી બહાર વિરોધ કરવામાં આવ્યો હતો અને માથાકૂટ
જેવો માહોલ ઊભો થયો હતો. આ વિરોધમાં પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી જોબ જોહન, જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી શાહનવાઝ વોરા, દીન સૈયદ, પ્રતીક સેંગલ, ઉમર સાયચા, અફસર શેખ, ઇમરાન સોઢા, ઉસ્માન ચાયણ, મામદ જિંગ્યા, ફૈઝાન પઠાણ, નિકુંજ સેંગલ, નાસિર અગરિયા અને તાલુકામાંથી દશરથાસિંહ
ખેંગારોત ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ
પ્રમુખનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો,
પણ ફોન નો-રિપ્લાય થયો હતો.