ભુજ, તા. 11 : વન્યજીવો અને સુરક્ષાનાં હિતમાં
`રોડ ટુ હેવન' પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે તથા
ડ્રોન ઉડાડનાર સામે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ હતી. કચ્છના જાણીતા
`રોડ ટુ હેવન'ની બંને બાજુએ `કચ્છ રણ વન્યપ્રાણી અભયારણ્ય' આવેલું છે. આ વિસ્તારમાં વન્યજીવો અને પ્રાકૃતિક
સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ આવશ્યક છે. ડ્રોન દ્વારા કરવામાં આવતા શાટિંગથી વન્યજીવોનાં
સ્વાભાવિક વર્તનમાં વિક્ષેપ પડતો હોવાથી આ અભયારણ્ય વિસ્તારમાં ડ્રોન શાટિંગ કરવું
એ `વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972' હેઠળ સજાપાત્ર ગુનો બને છે.
આ વિસ્તાર સીમા સુરક્ષા દળની હદની નજીક આવેલો હોવાથી સુરક્ષાના કારણોસર પણ તે `ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર' જાહેર કરાયો છે. લોકોની જાણકારી માટે આ વિસ્તારમાં
વિવિધ સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. વન
વિભાગ દ્વારા નાગરિકો અને પ્રવાસીઓને `રોડ ટુ હેવન' વિસ્તારમાં ડ્રોન નહીં ઉડાડવા કે ડ્રોનથી શાટિંગ નહીં કરવા સાથે વન્યજીવો અને
પર્યાવરણનાં રક્ષણ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરી સહકાર આપવા અનુરોધ કરાયો હતો તથા સૂચનાઓનું ઉલ્લંઘન કરી ડ્રોન ઉડાડનાર વ્યક્તિ સામે
વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે, તેવું કચ્છ વન વિભાગ,
રાપર ઉત્તર વાઇલ્ડલાઇફ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જણાવાયું
હતું.