• રવિવાર, 12 એપ્રિલ, 2026

મહાજનના મુલક મુંદરામાં મોટા નેતાઓને જિલ્લા પંચાયત ફળી

મુંદરા, તા. 11 : ગત ટર્મ વર્ષ 2021ની મુંદરા તાલુકાની જિલ્લા પંચાયતની ચારેય બેઠક ઉપર કેસરિયો હતો. ગત વખતે સમાઘોઘા બેઠક નવી બન્યા પછી પહેલી જ ચૂંટણી હતી, જેમાં ભાજપની જીતનો જ પાયો ખોડાયો હતો. આ વખતે નવા સીમાંકન અને ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજકીય સમીક્ષકોની મીટ છે. કારણ કે, રોટેશન મુજબ તાલુકા પંચાયત પ્રમુખ પદ પણ અહીંથી પસંદ થઈ શકે છે. તાલુકાની ચાર બેઠક પર પણ સરસાઈની દૃષ્ટિએ ભુજપુરમાં સૌથી વધુ 1772 મતની સરસાઈ મળી હતી. એ પછી ભદ્રેશ્વરની બેઠક પર 795 અને નાના કપાયામાં 339 એ વખતની સીમાંકન મુજબની સ્ત્રી અનુ. જાતિ અનામત બેઠક પર ભાજપને 356 મતની પાતળી સરસાઈ મળતાં કેસરિયો પક્ષ હવે વધુ પડતા આત્મવિશ્વાસમાં કે ગાફેલ ન રહે એવું સમીક્ષકો અત્યારથી કહી રહ્યા છે. કોંગ્રેસને આ વખતે જીતની સારી તકોનો વિશ્વાસ છે. આ પહેલાં 2015માં મુંદરા જિલ્લા પંચાયતની બેઠક અસ્તિત્વમાં હતી, જેના પર કોંગ્રેસના હાજી સલીમ જતે ભાજપને પછડાટ આપી હતી. જો કે, એ બેઠક નગરપાલિકા બન્યા બાદ રદ થઈ હતી.  - મુંબઈ સાથે નાતો : સમગ્રતયા મુંદરા તાલુકો મહાજનોનો મુલક અને મુંબઈ સાથે સીધો નાતો ધરાવતો પ્રદેશ છે. કંઠીપટ્ટમાં કોર્પોરેટનું વર્ચસ્વ છે, તો સાથે અનેક દૃષ્ટિએ રાજકીય તાકાત પણ અવગણી ન શકાય. ત્રણ દાયકાથી જિલ્લા સ્તરના હોદ્દાઓમાં દબદબો રહ્યો છે, તેમાં પણ ભુજપુર બેઠકના વિજેતાઓ જિલ્લા પંચાયતમાં મોટા હોદ્દા શોભાવી ચૂક્યા છે. - જિલ્લા પંચાયત ફળી : 1981 તરફ ફ્લેશબેક દૃષ્ટિ કરીએ, તો 1981માં આ તાલુકામાંથી ચૂંટાયેલા તારાચંદભાઈ છેડા જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ બન્યા હતા અને રાજ્યમંત્રી સુધી આગળ વધ્યા હતા. 1991માં અહીંથી વિજય થયેલા ગોપાલભાઈ ધુવા જિલ્લા પંચાયત પ્રમુખ બન્યા હતા, તો એ જ કાર્યકાળમાં ગિરીશભાઈ છેડા ઉપપ્રમુખ બન્યા હતા. આ પછી છાયાબેન ગઢવી પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદનો હોદ્દો ગ્રહણ કરી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસ વતી ભદ્રેશ્વર બેઠક પરથી જીતી ચૂકેલા નારાણભાઈ સોંધરા વિરોધ પક્ષના નેતા બની ચૂક્યા હતા, જ્યારે ગત ટર્મમાં મહેન્દ્રભાઈ ગઢવી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પદ સંભાળી ચૂક્યા હતા. - નગરપાલિકામાં કેસરિયો : 2021માં મુંદરા નગરપાલિકાની રચના બાદ પ્રથમ ચૂંટણી હતી અને પહેલો જ ઘા કમળનો હતો, એટલો મજબૂત પડયો કે સાત વોર્ડમાં 28 બેઠકમાંથી 19 બેઠક ઉપર વિજય થયો. એ વખતે 70 ટકા જેટલું ભારે મતદાન થયું. આ વખતે ઉનાળાની ગરમીમાં મતદાનના આંક પર પણ મદાર રહેશે. નગરપાલિકાની પહેલી ચૂંટણી હતી, પણ નેતાઓ તો જૂના જ હતા. અસંતોષ ઊઠયો ને જિલ્લા સ્તર સુધી પહોંચ્યો, પણ પરિણામ એવું આવ્યું કે, મતદારોનો મિજાજ સ્પષ્ટ હતો અને જેણે સાબિત કરી દીધું કે, `િનશાન' જ મહાન છે.   આ વખતે આમ આદમી પાર્ટી ઉમેદવારી જાહેર કરવામાં પ્રથમ રહી છે, પણ પરિણામો પર કેટલો પ્રભાવ રહે છે એ આવનારો સમય કહેશે. નવા સીમાંકન મુજબ ટિકિટની ફાળવણીની ચર્ચા સાથે અત્યારથી જ પ્રમુખ પદના નામની ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે, જેમાં આ વખતે વોર્ડ નંબર 2, 3 કે પછી પાંચ નંબરમાંથી શહેરના પ્રથમ નાગરિક મળે છે એ જોવાનું રસપ્રદ રહેશે. 

Panchang

dd