ભુજ, તા. 11 : ભૂંકપ બાદ ચોમેર વિકસેલા ભુજ
શહેરના હાથ ધરાયેલાં પુનર્વસન કાર્યમાં શહેરની ફરતે રિંગરોડનું નિર્માણ કરાયું હતું.
આ રિંગરોડની જાળવણી મુદ્દે થતી ફેંકાફેંક વચ્ચે ધારાસભ્યની રજૂઆતનાં પગલે મુખ્યમંત્રીએ
ખાસ કિસ્સામાં 18 રોડનું સંચાલન માર્ગ મકાન વિભાગને
સોંપ્યું હતું. હાલમાં માર્ગ મકાન વિભાગ દ્વારા 14 રોડમાં વિસ્તૃતીકરણનું કામ હાથ ધરાયું છે. મંદ ગતિએ આગળ ધપતાં
આ કામમાં અધૂરાશોનો ખટકો સોનાંની થાળીમાં લોઢાની મેખ સમાન સાબિત થઈ રહ્યો છે. જો કે, ધારાસભ્ય કેશુભાઈએ ધરપત આપી છે કે, આ કામ ચોમાસાં પહેલાં પૂર્ણ કરી લેવાનું આયોજન છે. સમયાંતરે સંલગ્ન વિભાગોની
બેઠક યોજી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી કામ કઈ રીતે વહેલું પૂર્ણ થાય તેને અગ્રતા
અપાઈ રહી છે. કચ્છમિત્રની ટીમે વિવિધ મુલાકાત
લેતાં ક્યાંક કામનો ધમધમાટ જોવા મળ્યો, તો ક્યાંક કામ પૂર્ણ થયાના
દાવા વચ્ચે થોડી અધૂરાશો જોવા મળી હતી. - 150 કરોડના ખર્ચે માર્ગનું વિસ્તૃતીકરણ : ભુજને ફરતે 41 કિ.મી.ના 18 માર્ગનાં
નવીનીકરણ અને વિસ્તૃતીકરણ માટે રાજ્ય સરકારે 1પ0 કરોડની જંગી
રકમ ફાળવી છે. હાલમાં માર્ગ મકાન વિભાગ દ્વારા 18 પૈકીના 14 રોડ પર કામગીરીનો
ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. - ધીમી ગતિનાં
કામથી વાહનચાલકોને હાલાકી : રોડ વિસ્તૃતીકરણનું કામ ધીમી ગતિએ આગળ ધપતું
હોવાથી વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને હોટેલ પ્રિન્સ રેસિડેન્સીથી
એરપોર્ટ રિંગરોડ થઈ મહિલા આશ્રમ ચોકડી સુધીના માર્ગે કામની ગતિ વધુ ધીમી હોવાની સાથે
સમયાંતરે રોડને એકમાર્ગી કરી દેવાતો હોવાનાં કારણે સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યા માથાંના
દુ:ખાવા રૂપ સાબિત થઈ રહી છે. - આડેધડ પાર્કિંગ-દબાણોએ
પહોળા રોડને સાંકળા બનાવ્યા : જે રસ્તા પહોળા થયા છે તેમાં વાહનો આડેધડ
પાર્ક થવાના શરૂ થઈ જતાં રોડ વિસ્તૃતીકરણ પછી ટ્રાફિક સમસ્યા હળવી બનશે તેવી જાગેલી
આશા ફળીભૂત થતી જોવા મળતી નથી. વાહનો પાર્ક થવાની સાથે ક્યાંક કાચાં દબાણો પુન: ગોઠવાઈ
ગયા તો ક્યાંક રોડને પહોળા કરવાનું જ માંડી વાળ્યાનું ચિત્ર ઉપસીને સામે આવી રહ્યું
છે. વળી ક્યાંક સિમેન્ટનો રોડ તો ક્યાંક ડામરનો રોડ બનાવાયો છે, જે થોડું અચરજ પમાડી રહ્યાનો સૂર જાગૃત નાગરિકોમાંથી
ઊઠી રહ્યો છે. - 14 રોડનું કામ 80 ટકા પૂર્ણ : મા. મ. વિભાગ : મા. મ. વિભાગના અધિકારી ચિરાગ ડુડિયાના
જણાવ્યાનુસાર 18 પૈકી 14 રોડનું કામ હાથ પર લેવાયા બાદ
વર્તમાન સ્થિતિએ 80 ટકા કામ પૂર્ણ
થઈ ચૂક્યું છે. બાકી રહેલું કામે થોડા સમયમાં પૂરું કરી દેવામાં આવશે. - વેન્ડિંગ
અને પાર્કિંગ ઝોન બનાવાશે : ધારાસભ્ય
કેશુભાઈએ કહ્યું કે, રોડ વિસ્તૃતીકરણનું
કામ પૂર્ણ થયા બાદ વેન્ડિંગ અને પાર્કિંગ ઝોન બનાવવાનું આયોજન છે. વાહનો આડેધડ નહીં
વ્યવસ્થિત રીતે પાર્ક થાય એ માટે અલગ-અલગ પાર્કિંગ ઝોન બનાવાશે, તો શહેરના માર્ગો પર જ્યાં ત્યાં લારીઓ ઊભી રાખવના બદલે ચોક્કસ જગ્યાએ ઊભી
રહે એ માટે ચારેક જેટલા વેન્ડિંગ ઝોન પણ બનાવાશે. - કામ વેળાસર
પૂરું કરવાને અગ્રતા : ધારાસભ્ય : ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું કે, નગરપાલિકા, ગુજરાત ગેસ,
પોલીસ અને વીજતંત્ર, પાણી પુરવઠા વિભાગ સહિતની
સમયાંતરે બેઠક યોજી કામ વેળાસર અને નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તેને અગ્રતા આપવામાં
આવી રહી છે. ચોમાસાંનાં કારણે કામમાં કોઈ અવરોધ ઊભો ન થાય તે રીતનું કાર્ય કરવામાં
આવી રહ્યું છે.