• રવિવાર, 12 એપ્રિલ, 2026

ચૈત્રના અંતિમ દિવસોમાં તાપનો આકરો મિજાજ

ભુજ, તા. 11 : ચૈત્ર માસ હવે તેના અંતિમ પડાવ તરફ છે, ત્યારે ચૈતરિયા તાપે તેનો અસલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. અંજાર-ગાંધીધામ સહિતને આવરી લેતાં કંડલા (એ.) ક્ષેત્રમાં મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઊંચે ચડીને 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. જિલ્લા મથક ભુજમાં પણ બે ડિગ્રીના વધારા સાથે પારો 39 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી અઠવાડિયું ગરમી અને ઉકળાટનો પ્રભાવ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. ગઈકાલે રાજ્યના મોખરાનાં ગરમ મથક બનેલાં કંડલા પોર્ટમાં પારો ગગડીને 37, તો નલિયામાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે 35 ડિગ્રીએ પહોંચ્યો હતો. જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર અને ગાંધીધામ ક્ષેત્રમાં ઊંચકાયેલાં મહત્તમ તાપમાન સાથે લૂ ઓકતો પવન ફુંકાતાં તાપની આકરી આણે જનજીવનને આકુળ-વ્યાકુળ થવા પર મજબૂર કર્યું હતું. માવઠાંના કારણે આ વખતે ચૈત્રમાં જોઈએ તેવી ગરમી નહોતી અનુભવાઈ, પણ હવે અંતિમ દિવસોમાં ચૈત્ર માસમાં ગરમી પોતાનો પ્રભાવ દેખાડી રહી છે. આગામી દિવસોમાં ગરમીનો દોર જારી રહેવાની શક્યતા હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

Panchang

dd