નખત્રાણા, તા. 9 : તાલુકા પંથકમાં ઉત્તરોત્તર
ઊંડા ઉતરતા ભૂતળનાં પાણી અને ક્ષારયુક્ત પાણીના કારણે ખેડૂતો દાડમ, ખારેક જેવા બાગાયતી પાકોના ઉત્પાદન તરફ વળ્યા
છે, પરંતુ ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનના કારણે ગત વર્ષની તુલના
અને અપેક્ષિત ઉત્પાદનનો માત્ર અડધા ભાગનો દાડમનો પાક ઉતરતાં ખેડૂતોને નુકસાન થયું છે.
જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. મોટી વિરાણીના બાગાયતી પાકના પ્રગતિશીલ ખેડૂત
તુલસીભાઇ ચંદુલાલ પાંચાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ગત આસો
માસમાં વરસાદ, વિષમ વાતાવરણ બાદ ચાલુ વર્ષે માવઠું, પવન જેવા પ્રતિકૂળ વાતાવરણના કારણે ગત વર્ષની તુલનાએ 50 ટકા જેટલા પાકનું ઉત્પાદન થયું છે. દાડમનો પાક ઊગાડવા માટે મોંઘા રોપા, દવા, ખાતર સહિતના ખર્ચા તથા સખત પરિશ્રમ, માવજત રાખવી પડે છે. ઓછાં ઉત્પાદનથી દાડમનો પાક ઊગાડનારા ખેડૂતોને આર્થિક નુકસાની
વેઠવી પડે છે. સરકાર સર્વે કરી નુકસાની માટે સહાય ચૂકવે તેવી માંગ ઊઠી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બજારમાં
દાડમની મોટી માંગના કારણે વિદેશી હુંડિયામણની મોટી આવક થાય છે, જેથી દાડમ ઊગાડતા કિસાનોને સરકારે પ્રોત્સાહન આપવું જોઇએ તેવો સૂર વ્યક્ત કરાયો
હતો.