• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

કચ્છમાં હવે 14.95 લાખ મતદાર

ભુજ, તા. 17 : સાડા ત્રણ માસના લાંબાગાળા સુધી ચાલેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન મતદારયાદી સુધારણા ઝુંબેશની  કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કચ્છમાં હવે 14.95 લાખ મતદારો આખરી મતદારયાદી બાદ નોંધાયા છે. ડ્રાફ્ટ મતદારયાદી પછી 19 હજાર જેટલા મતદારો વધ્યા છે. સરની કામગીરી હાથ ધરાઈ તે પૂર્વે કચ્છમાં 16,90,584 મતદાર હતા. ડ્રાફ્ટ મતદારયાદીમાં 2.14 લાખ મતદારોના નામ કમી થયાં હતાં. તે પછી મતદારયાદીમાં 32795 નવા મતદારો ઉમેરાયા તેની સામે 13419 મતદારોનાં નામ કમી થતાં હંગામી મતદારયાદી પછી કુલ્લ 19376 મતદારોનો ચોખ્ખો વધારો થયો છે. આગામી ચૂંટણીઓમાં કચ્છમાં 14,95,785 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.આખરી મતદારયાદી બાદ કચ્છમાં સૌથી વધુ મતદારો ભુજ વિધાનસભા મતક્ષેત્રમાં નોંધાયા છે. તો સૌથી ઓછા મતદારો રાપર મતવિસ્તારમાં નોંધાયા છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી આનંદ પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે આંકડાકીય વિગતો પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, ડ્રાફ્ટ મતદારયાદીમાંથી નામ કમી થયા બાદ હાથ ધરાયેલી બીજા તબક્કાની કામગીરીમાં 23664 ફોર્મ નંબર-6, 2840  ફોર્મ નંબર-7 તેમજ 22214 ફોર્મ-8 મંજૂર કરી આખરી મતદારયાદીમાં તેનો સમાવેશ કરાયો છે. મુસદ્દા મતદારયાદીમાં 14,76,409 મતદારોનો સમાવેશ કરાયો હતો. તે પછી નવા નામ નોંધણી માટે ફોર્મ-6 રજૂ થવા, અન્ય વિધાનસભામાં સ્થળાંતર થવાના કારણો તેમજ ફોર્મ નંબર-સાત રજૂ થવાના લીધે 19376 મતદારોનો ચોખ્ખો વધારો થતાં આખરી મતદારયાદી બાદ 14,95,785 મતદારો સમાવિષ્ટ કરાયા છે. તમામ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિ સાથે બેઠક યોજી મતદારયાદીની ફોટોવાળી નકલ પૂરી પાડવામાં આવી હતી, તો આખરી મતદારયાદી તમામ મતદાર મથકોએ પ્રસિદ્ધ કરવામાં આવી છે. - મુસદ્દા યાદીમાંથી 2.14 લાખ નામ થયાં હતાં બાકાત : મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે મૃત્યુ પામેલા, ગેરહાજર, કાયમી સ્થળાંતર અને અન્ય સ્થળ પર નોંધાયેલા 2.14 લાખ મતદારોનાં નામ યાદીમાંથી બાકાત થયાં હતાં. નામો બાકાત થવા મુદ્દે ભારે હોબાળો પણ મચ્યો હતો. મોટી સંખ્યામાં નામ કમી કરવા માટે વાંધાઅરજી પણ મળી હતી. જેનો ગહન અભ્યાસ કરી આખરી મતદારયાદી ચૂંટણીપંચના આદેશ અનુસાર પ્રસિદ્ધ કરાઈ છે. 

Panchang

dd