• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

લખપતમાં ડોક્ટરોની અછત વચ્ચે આરોગ્ય તંત્રમાં વિવાદ

વિશ્વનાથ જોશી દ્વારા : મતાના મઢ, તા. 17 : લખપત તાલુકામાં સરકારી આરોગ્ય સેવા અનેક કારણોસર ખુદ બીમાર હાલતમાં હોવાથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રણ ડોક્ટરની જગ્યાએ એક ડોક્ટરથી કામ ચલાવાય છે. તાલુકાના માતાના મઢ, ઘડુલી, પાનધ્રો, નારાયણ સરોવર, નરા, બરંદા આ છ પ્રા. આરોગ્ય કેન્દ્ર આ ત્રણેય આયુષ ડોક્ટરોથી ચાલી રહ્યા છે. પાનધ્રો, નરા તથા બરંદામાં કાયમી એકપણ ડોક્ટર નથી. અન્ય ત્રણ આયુષ ડોક્ટરોને ચાર્જ સોંપાયો છે. પ્રા. આરોગ્ય કેન્દ્ર નીચે 21 આયુષ્માન આરોગ્ય મંદિર એટલે સબ સેન્ટરો આવેલા છે, જેમાં મોટાભાગોના ગામોના સેન્ટર સ્ટાફના અભાવે તાળાં મારેલાં હોવાની ફરિયાદ ઊઠી છે. આવી વિકટ સ્થિતિમાં તાલુકાના ગરીબ દર્દીઓને નાછૂટકે નખત્રાણા, ભુજ સહિતની ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. લખપત તાલુકાના આરોગ્ય અધિકારી અને અન્ય 40 જેટલા મેડિકલ  સ્ટાફના કર્મચારીઓ વચ્ચે અંટસ ચાલી રહ્યાની પણ રાવ ઊઠી છે. નામ ન લખવાની શરતે અનેક કર્મચારીઓ જણાવી રહ્યા છે. તાલુકા અધિકારીની ફરિયાદ જિલ્લા અધિકારી સુધી  પહોંચી છે. એક કર્મચારીએ પોતાનો વીડિયો ઉતારીને ટીએચઓ માનસિક ત્રાસ આપે છે તેવી વ્યથા જણાવી રહ્યા છે અને તમામ પ્રશ્ને ઉચસ્તરીય તપાસ થાય તેવી માંગ ઊઠી છે. અમુક આયુષ અધિકારી તો બદલી કરાવી અન્ય જગ્યાએ ચાલ્યા ગયા છે તેવી પણ વાત બારે આવી છે. તાલુકા આરોગ્ય અધિકારી ના. સરોવર પ્રા. આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પોતાના અંગત કામોમાં તથા મંદિરે દર્શન કરવા ભુજ સુધી ગયા છે. એમ્બ્યુલન્સની લોકબુકમાં વાઇટનરનો ઉપયોગ કરી ચેડાં કરાયાં હોવાના આક્ષેપ થયા છે. એક મેડિકલ સ્ટાફની ઘટ  વચ્ચે મુખ્ય તાલુકા અધિકારી તથા અન્ય સ્ટાફ વચ્ચેની અંટસના કારણે લખપત તાલુકાના દર્દીઓ સરકારી આરોગ્ય સેવાનો પૂરતો લાભ નથી મળી રહ્યો તેવું પણ લોકો કહી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નવેમ્બર-2025ના ખાતાકીય તપાસ પણ આદરાઇ ચૂકી છે. 40થી વધુ મેડિકલ સ્ટાફના લોકોના લેખિતમાં નિવેદન પણ લેવાયાં છે. આ નિવેદનોમાં તાલુકા આરોગ્ય અધિકારી ઉપર ગંભીર આક્ષેપો થયા છે. નીચેના સ્ટાફ ઉપર જોહુકમી, માનસિક ત્રાસ આપવો સહિતની ફરિયાદો જિલ્લા લેવલે કરવામાં આવી છે. ટીએચઓ તથા અન્ય કર્મચારી વચ્ચે ચાલતાં વિવાદોમાં અહીંની સરકારી આરોગ્ય સેવા કથળી રહી  છે તેવું અહીંના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. ઉપરોકત પ્રશ્નો વિશે આજે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે આક્ષેપો કરનાર સ્ટાફ પાસેથી નિયમ મુજબ નોકરી કરાવીએ છીએ. સ્ટાફની ઘટ વચ્ચે કામ કરવું પડે છે. દયાપર સામૂહિક કેન્દ્રમાં એકમાત્ર એમબીબીએસ ડોક્ટર છે. બે ડોક્ટરોની ઘટ છે. 24 કલાકની સેવા કાર્યરત રાખવી પડે છે તેવી વાત તેમણે કરી હતી. લેખિત ફરિયાદો થઇ છે. ફરિયાદ કરનાર કર્મચારીનો જવાબ ઉપલી કક્ષાએ  તપાસમાં લેવાયો છે. મારે તેમને લેખિત જવાબ આપવાનો બાકી છે. આવી રીતે તેમણે ટૂંકો જવાબ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ભેખડો સહિતના વિસ્તારનાં ગામોમાં ભેદી તાવના કારણે 18 જેટલાં લોકો મૃત્યુ પામ્યાં હતા. જિલ્લા આરોગ્ય સહિતની મેડિકલ ટીમો અહીં તૈનાત કરાઇ હતી. તે વખતે 11 ઓકટોબર 2024ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રભારી મંત્રી શ્રી પાનસેરિયા, સાંસદ વિનોદ ચાવડા સહિતના પદાધિકારી અને અધિકારીએ લખપત તાલુકાની મુલાકાત લીધી હતી અને તે વખતની વિકટ સ્થિતિને થાળે પાડવા પ્રયાસો થયા હતા. 

Panchang

dd