ભુજ, તા. 4 : ચૈત્રના આરંભ સાથે કચ્છ પર
સૂર્યનારાયણ આભમાંથી અંગારા વરસાવી રહ્યા હોય તેમ ભુજમાં મહત્તમ તાપમાન બે ડિગ્રીના
વધારા સાથે વિક્રમી એવા 44.પ ડિગ્રીએ
પહોંચતાં જનજીવન લૂથી લાલચોળ બન્યું હતું. એપ્રિલ માસમાં ભુજમાં 2017માં અત્યાર સુધીનું સર્વાચ્ચ
એવું 4પ.8 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે નોંધાયેલું 44.પ ડિગ્રી તાપમાન દાયકાનું બીજું
સર્વોચ્ચ હોવાનું હવાન વિભાગે જારી કરેલા આંકડા પરથી દેખાઈ રહ્યું છે. 44.પ ડિગ્રી સાથે ભુજ રાજ્યની
સાથે દેશનું મોખરાનું ગરમ મથક બન્યું હતું. અધૂરામાં પૂરું હવામાન વિભાગે હજુ છ દિવસ
સુધી ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી સાથેનું ઓરેંજ એલર્ટ આપતાં કચ્છને તાપના શકંજામાંથી
મુક્તિ મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ભુજમાં
બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 4પ ડિગ્રી નજીક પહોંચ્યો હતો. આભ જાણે અંગારા વરસાવી રહ્યું હોય
તેમ જનજીવન ધગધગી ઊઠે તેવા આકરા તાપે ભુજવાસીઓની
અગનકસોટી કરી હતી. મધ્યાહ્ન સમયે તો કામ વગર ઘરથી બાહર નીકળવાનું લોકોએ ટાળતાં ગરમીએ
કુદરતી સંચારબંધી લાદી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. લઘુતમ તાપમાન પણ 24.4 ડિગ્રીએ રાત્રે પણ ઉકળાટ અનુભવાયો
હતો. ભુજમાં આજે નોંધાયેલું તાપમાન રાજ્યમાં ઉનાળાની વર્તમાન સિઝનનું સૌથી સર્વોચ્ચ
છે. કંડલા એરપોર્ટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાતાં અંજાર-ગાંધીધામ
વિસ્તાર તાપના આકરા પ્રભાવથી ધગધગ્યો હતો, તો નલિયામાં પણ 40.4 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું. લઘુતમ તાપમાન પણ તમામ સ્થળે ઊંચું નોંધાતાં રાત્રે અનુભવાતી ઠંડક ગાયબ
થઈ ગઈ છે. - તો કચ્છમાં એપ્રિલમાં સર્વોચ્ચ
તાપમાનનો રેકોર્ડ તૂટી શકે : કચ્છમાં એપ્રિલ માસમાં 2017માં 4પ.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું,
જે આ માસમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન છે. કચ્છમાં જે રીતે પારો
ઊંચકાઈ રહ્યો છે અને ગરમીનાં આકરાં મોજાંની ચેતવણી જારી કરાઈ છે તે જોતાં આ રેકોર્ડ
તૂટી શકે છે. નોંધનીય છે કે, એપ્રિલ માસમાં ભુજ અને કંડલા એરપોર્ટમાં
પારો 4પ ડિગ્રીના આંકને પાર થઈ ચૂક્યો છે. - કચ્છમાં છ
દિવસ ગરમીનું ઓરેંજ એલર્ટ : હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી કચ્છમાં
ગરમીનાં આકરાં મોજાંનું ઓરેંજ એલર્ટ જારી કર્યું છે,
મહત્તમ પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. - આરોગ્ય વિભાગે
તકેદારીનાં પગલાં સૂચવ્યાં : ગરમીનાં આકરાં
મોજાંની સ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તડકામાં કામ વગર ઘરથી બાહર નીકળવાનું ટાળવા, પૂરતા પ્રમાણમાં પ્રવાહી તત્ત્વોનું સેવન કરવા,
હળવા પ્રકારના સુતરાઉ કપડાં પહેરવા, કામદારો માટે
કાર્યનાં સ્થળે ઠંડક મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, પશુઓને પણ છાંયડામાં
રાખી પાણી આપવા સહિતના તકેદારીનાં પગલાં સૂચવાયાં
છે.