ગાંધીધામ, તા. 10 : અંજારના વેપારી સાથે સરકારી
જમીન નામે કરવાની દેવાની લાલચ સાથે બે શખ્સે રૂા.2.59 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો અંજાર પોલીસ ચોપડે નોંધાયો
હતો. શહેરના ગંગાનાકા વિસ્તારમાં પહેનાવા હેન્ડિક્રાફ્ટ
નામની દુકાન ચલાવતા વસ્તાભાઈ આશાભાઈ રબારીએ
અમદાવાદ મણિનગરના આરોપી મુકેશભાઈ મોતીભાઈ દેસાઈ અને નીલેશ પ્રજાપતિ વિરુદ્ધ
ગુનો નોંધાવ્યો હતો. છેતરપિંડીનો આ બનાવ તા. 16/2/2024થી તા. 10/4/2025 સુધીના અરસામાં બન્યો હતો.
પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સામાજિક-ધાર્મિક
કાર્યક્રમમાં ફરિયાદી અને આરોપી મુકેશભાઈ સંપર્કમાં
આવ્યા હતા. અંજારમાં સરકારી પડતર જમીનના ભુજ
કલેક્ટર કચેરીમાં કાગળો કરી પોતાનાં નામે કરાવી દેવા માટે ફરિયાદી દ્વારા કહેવામાં
આવ્યુ હતું. જેની સામે જમીન નામે કરાવી દેવા માટે
સંબંધિતો સમક્ષ વ્યવહાર કરવો પડશે તેમ કહી ગુનાહિત કાવતરું રચી જુદા-જુદા સમયે
આરોપી મુકેશે રોકડા રૂા.1 લાખ તથા ઓનલાઈન ખાતામાં રૂા. 1,34,100 તેમજ અન્ય આરોપી નીલેશ
પ્રજાપતિએ રૂા.25 હજાર સાથે કુલ રૂા. 2,59,100 લીધા હતા. લાંબા સમય સુધી તહોમતદારોએ
જમીન પોતાનાં નામે કરાવવાના મુદ્દે જુદા-જુદા પ્રકારના બહાના આપ્યાં હતાં અને લીધેલાં
નાણા પરત આપતા ન હતા. છેતરપિંડી અને વિશ્વાસઘાતના
આ પ્રકરણમાં પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.