અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીજીની
કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં
સાબરમતી નદીના કિનારે આયોજિત રાષ્ટ્રીય અધિવેશનના આજે બીજા દિવસે આશરે 3000 કાર્યકરની ઉપસ્થિતિમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આજે વિચારધારાની લડાઇ છે. ભારતના બંધારણ પર
આજે આક્રમણ થઇ રહ્યું છે. વકફ (સુધારા) કાયદો બંધારણ વિરોધી અને ધાર્મિક સ્વતંત્રતા
પર પ્રહાર સમાન છે. અમે અનામતની 50 ટકાની દીવાલ તોડી નાખશું. (ટેરિફને પગલે) આર્થિક તોફાન આવી રહ્યું
છે, પણ વડાપ્રધાન ક્યાં ગાયબ થઇ ગયા છે
? આ અધિવેશનમાં કોંગ્રેસે સંગઠનના માળખાંને મજબૂત કરવા અને ભાજપના `બનાવટી રાષ્ટ્રવાદ' સામે લડવાનો નિર્ધાર દર્શાવ્યો હતો. રાહુલે
કહ્યું હતું કે, સંસ્થાઓ પર આક્રમણ થઇ રહ્યું છે. બંધારણમાં ક્યાંય
એવું લખ્યું નથી કે, દરેક યુનિવર્સિટીમાં કુલપતિ આરએસએસના હોવા
જોઇએ, આમ ભાજપ અને આરએસએસ બંધારણ પર આક્રમણ કરે છે, જેને માત્ર કોંગ્રેસ જ રોકી શકે છે, બીજી પાર્ટી નહીં
રોકી શકે. જે પાર્ટી પાસે વિચારધારા નથી તે ભાજપ અને આરએસએસ સામે ઊભી નહીં રહી શકે
અને જે પાર્ટી પાસે વિચારધારા છે તે જ ભાજપ અને આરએસએસને હરાવી શકશે. રાહુલે જણાવ્યું
કે, અખિલ ભારતીય કોંગ્રેસ સંગઠન દ્વારા કોંગ્રેસ પ્રમુખો અને
વર્કિંગ કમિટીની બેઠક તાજેતરમાં દિલ્હીમાં યોજાઇ હતી. અમે ઇચ્છીએ છીએ જિલ્લા પ્રમુખોને
પક્ષની શક્તિ અને સત્તા આપે તેમજ જવાબદારી આપે. આ પરિવર્તન કરવા કોંગ્રેસ પાર્ટી જઇ
રહી છે. રાહુલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કલાક પછાત વર્ગ, અ.જા. અને આદિવાસી-વનવાસીની વાત કરે છે. તેમની
ભાગીદારીની વાત આવે ત્યારે ભાજપના લોકો ચૂપ થઇ જાય છે. તેલંગાણાએ જાતિગત વસતી ગણતરીની
ક્રાંતિકારી પગલું ઉઠાવ્યું છે અને દેશને એક માર્ગ બતાવ્યો છે. 50 ટકા અનામતની જે દીવાલ છે, તેને સમગ્ર દેશમાંથી દૂર કરી દઇશું. જે શરૂઆત
અમે તેલંગાણામાં કરી છે તે દિલ્હી અને સમગ્ર દેશમાં કરવા જઇ રહ્યા છીએ. રાહુલ ગાંધીએ
સ્પષ્ટપણે કહ્યું કે, લોકો મારા વિશે શું વિચારે છે તેનાથી મને
ફરક પડતો નથી. હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન રહેવા પર લોકોએ તમારા વિશે
શું બોલવું અને વિચારવું જોઈએ. તો તેમણે કહ્યું હતું કે, રાહુલ,
હું માત્ર પોતાનું કામ કરું છું. મારા ન રહેવા પર લોકો મારા વિશે શું
વિચારે છે તેની મને કોઈ ચિંતા નથી. મારું ફોકસ માત્ર પોતાના કામ પર છે. લોકો શું વિચારે
છે, તેનાથી મને ફરક પડતો નથી. અગ્નિવીરનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ
અને આરએસએસના લોકો ભારતની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. પછાત અને અંત્યજોને
જ્યાં સ્થાન મળતું હતું, ત્યાંના રસ્તા બંધ કરી રહ્યા છે. પહેલાં
દરેક સમાજના યુવાનો સેનામાં જઇ શકતા હતા. તેમને પગાર, પેન્શન,
એક્સ-સર્વિસમેનનો દરજ્જો મળતો હતો. બધુ ખતમ કરી દીધું. અમેરિકન ટેરિફના
મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, `પહેલાં મોદી અમેરિકા જતા,
રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગળે મળતા હતા. હવે તમે કેમ ગળે મળતા નથી
?'