કોલંબોમાં હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય
મંત્રણા દરમિયાન રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમાર દિસાનાયકેએ શ્રીલંકાની જમીન તથા આસપાસના
સમુદ્રી ક્ષેત્રનો ઉપયોગ ભારતનાં હિતોના વિરોધમાં નહીં કરવા દેવાય. હિન્દ મહાસાગરમાં
ચીનની વધતી શક્તિ સામે પોતાની વ્યૂહનીતિને અસરકારક બનાવવામાં લાગેલાં ભારતને એવું આશ્વાસન
મળ્યું છે જે આ ક્ષેત્રના કોઈ બીજા દેશને હજી સુધી મળ્યું નથી. બન્ને નેતાઓની બેઠક
પછી ભારત અને શ્રીલંકા વચ્ચે એક સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આમાં એક સમજૂતી સંરક્ષણ
ક્ષેત્રમાં સહયોગને લઈને છે. કેટલાક સમય પહેલાં જે પડોશી દેશમાં શ્રીલંકા પર ચીનના
વધતા પ્રભાવને લઈ ભારત ચિંતિત હતું. એ જ ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા
તો તેમનું લાલજાજમ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાએ વડાપ્રધાન મોદીને દેશના
સર્વોચ્ચ નાગરિક સન્માન `િમત્ર વિભૂષણ' ચંદ્રકથી નવાજ્યા. આ ભારત-શ્રીલંકા વચ્ચેની
ગાઢ દોસ્તી અને ઐતિહાસિક સંબંધોના પ્રતીકની સાથે જ ભારતના વધતા પ્રભાવ તથા ઉપખંડમાં
મોટા ભાઈ તરીકેનાં સ્થાનનું સન્માન છે. આ સન્માન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને
બન્ને દેશોની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા
વિશેષ પ્રયાસોને લક્ષમાં લેતાં કરાયું છે. વિશ્વ બંધુત્વની ભાવના અંતર્ગત મૈત્રી સંબંધોને
સશક્ત બનાવી રહેલા વડાપ્રધાન મોદીને વિદેશી રાષ્ટ્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલો આ
બાવીસમો સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી એક સમજૂતીમાં ત્રિંકોમાલીમાં
એક ઊર્જા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. આ સમજૂતીમાં યુનાઇટેડ આરબ અમિરાત પણ સામેલ
છે. આ સમજૂતી શ્રીલંકાના ઊર્જા પડકારનો કાયમી ઉકેલ લાવશે. શ્રીલંકા પાસે તેલનો કોઈ
ભંડાર નથી. 2022માં આ ટાપુ
રાષ્ટ્રમાં આર્થિક અસ્થિરતા ફેલાઈ હતી ત્યારે આખા દેશમાં પેટ્રો ઉત્પાદનોની જબરદસ્ત
અછત ઊભી થઈ હતી. શ્રીલંકા સંપૂર્ણ રીતે આયાત થતાં તેલ પર નિર્ભર છે. પેટ્રો ઉત્પાદનોના
પુરવઠામાં ભારતની મહત્ત્વની ભૂમિકા એ વખતે હતી. બન્ને નેતાઓનો પરસ્પર તાલમેલ એ વાતથી
જોવા મળે છે કે, વડાપ્રધાન મોદીની ભારતીય
માછીમારોને છોડી મૂકવાના કેસમાં માણસાઈનાં ધોરણે વર્તવાની અપીલ કર્યાના એક દિવસ બાદ
શ્રીલંકાએ લગભગ 14 ભારતીય માછીમારોને
છોડી મૂક્યા છે. છેલ્લા છ મહિનામાં ભારતે શ્રીલંકાને આપેલી દસ કરોડ ડોલરની લોનને અનુદાનમાં
બદલી નાખવામાં આવી છે. આ બધું દર્શાવે છે કે, ભારતની પડોશી પ્રથમ નીતિમાં શ્રીલંકાનું મહત્ત્વનું સ્થાન છે. આવશ્યક છે કે,
આ મુલાકાત દરમિયાન લેવામાં આવેલાં પગલાંને સમયબદ્ધ રીતે વાસ્તવિક્તા
સુધી પહોંચાડવામાં આવે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના પ્રભાવને સંતુલિત કરતા ક્ષેત્રીય
શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આગળ વધવામાં આવે.