ભુજ, તા. 10 : આગઝરતી ગરમી દરમ્યાન ભરબપોરે
બહાર નીકળવું ભુજના વૃદ્ધ અને મોમાયમોરા પાસે અજાણ્યા યુવાનને ભારે પડયું હતું. ગરમીના
લીધે ભુજમાં 66 વર્ષીય વૃદ્ધ બચુભા મીઠુભા
જાડેજા અને ગઇકાલે મમુઆરા પાટિયા પાસે ટ્રકથી દાડમ ભરવા આવેલા હરિયાણાના 38 વર્ષીય શીરાજુ ઉર્ફે સિરાજુદ્દીન
અબ્દુલ રહેમાન (હરિયાણા)નું મોત થયાનું સામે આવ્યું છે. આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ભુજના માંડવી
રોડ પર મોગલ ટી હાઉસની સામે રોડની સાઇડમાં ભુજના વાલદાસ નગરમાં રહેતા 66 વર્ષીય વૃદ્ધ બચુભા મીઠુભા
જાડેજા બેભાન અવસ્થામાં મળતાં તેને પ્રતાપસિંહ રામુભા જાડેજા સારવાર અર્થે જી.કે. જનરલ
હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી તપાસ પી.એસ.આઇ. બી. ડી. શ્રીમાણીએ આદરી હતી. આ મૃત્યુ પાછળના કારણ
જાણવા તપાસકર્તાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બચુભાનું ગરમીના લીધે કુદરતી મોત થયું હતું.
બીજીતરફ ગઇકાલે બપોરે ભુજ તાલુકાના મમુઆરા પાટિયા પાસે બનેલી ઘટના અંગે પદ્ધર પોલીસ
મથકે નોંધાયેલી વિગત મુજબ ટ્રકમાં દાડમ ભરવા આવેલો સિરાજુદ્દીન બપોરે ક્યાંક નીકળી
ગયા બાદ 2.45 વાગ્યાના
અરસામાં પગે ચાલીને મમુઆરા પાટિયા પાસેની ચાની કેબિન નજીક આવેલી કચ્છ ટાયર સર્વિસ નામની
પંક્ચરની દુકાને રાખેલા ખાટલા ઉપર બેઠા બાદ થોડીવારમાં જ ઢળી પડયો હતો. આથી તેને સારવાર
અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
સિરાજુદ્દીનને અસહ્ય ગરમીના લીધે લૂ લાગતાં હૃદયરોગના હુમલાથી મોત થયાનું તારણ સામે
આવ્યાનું પદ્ધર પોલીસે જણાવી આ અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.