ભુજ, તા. 10 : લાંબા સમયથી જાહેર શૌચાલય બનેલાં અને ભંગાર વાહનોના ખડકલાથી
ખરડાયેલાં ભુજનાં ઓપન એર થિયેટરને આ ગંદકીથી મુક્તિ મળે તેવા ઊજળા સંજોગો નિર્માણ પામ્યા
છે. સુધરાઈ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં વહેલી
સવારે ભરાતી શાકમાર્કેટને ઓપન એર થિયેટરમાં ખસેડવા કવાયત હાથ ધરાઈ છે. ભુજના બસ સ્ટેશન
વિસ્તારમાં વહેલી સવારે ભરાતી શાકમાર્કેટને પગલે થતી ગંદકી અને ટ્રાફિક સમસ્યાથી આસપાસના
વિસ્તારના દુકાનદારો, વેપારીઓ ત્રસ્ત
બન્યા હતા. આ સમસ્યા ઉકેલવા માટે સુધરાઈ દ્વારા અહીં ભરાતી શાકમાર્કેટના ધંધાર્થીઓને
ખસેડવાની કવાયત હાથ ધરાઈ છે. આ અંગેનો સુધરાઈ
દ્વારા સર્વે પણ હાથ ધરાયો હતો. અહીં નોંધનીય
છે કે, બજાર અહીં ખસેડાયા બાદ સુધરાઈ દ્વારા વિવિધ માળખાકિય સુવિધાઓ
પણ પુરી પાડવા વિચારણા હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા લાંબા સમયથી ઓપનએર થિયેટરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ સ્થળ
જાહેર શૌચાલયમાં ફેરવાયું છે તો અહીં સુધરાઈના ભંગાર વાહનોના પણ ખડકલા કરી દેવાયા છે.
ગંદકીને પગલે આસપાસના વિસ્તારમાં સતત દુર્ગંધ ફેલાયેલી રહે છે. જેનાથી લોકોને હવે છૂટકારો
મળશે તેવી આશા જાગી છે. આ અંગે ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાનો સંપર્ક
સાધતા તેમણે જણાવ્યું કે, બસ સ્ટેશન વિસ્તારમાં ભરાતી શાક માર્કેટને
પગલે ગંદકી, ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાતી હતી. જેને પગલે આ
વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જેથી બજારને
ખસેડી ઓપનએર થિયેટરમાં ખસેડવા પ્રયત્નો હાથ ધરાયા છે.