• શનિવાર, 19 એપ્રિલ, 2025

ટ્રમ્પની બધા દેશો પર લાદેલા ટેરિફ પર 90 દિ'ની રોક

વોશિંગ્ટન, તા. 9 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ઝીંક્યા બાદ બુધવારે ચીન સિવાય બધા દેશો પર પારસ્પરિક ટેરિફ પર 90 દિવસ માટે રોક લગાવતી ઘોષણા કરી હતી. નિર્ણયને પાછો ખેંચવા પાછળ દેશો સાથે વેપાર પર નવી વાટાઘાટો કારણ હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું. જો કે, ચીનને મુક્તિ ન આપતાં તેના પર 104 ટકાથી વધારીને 125 ટકા ટેરિફ લાદ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, બધા દેશો માટે ટેરિફ સ્તર ઘટાડીને 10 ટકા કરવામાં આવશે, જે ઘણા દેશો માટે જરૂરી ઘટાડો હશે. જોકે, તેમણે આ મુક્તિમાં ચીનનો સમાવેશ કર્યો નથી, પરંતુ ચીન પરનો ટેરિફ 104 ટકાથી વધારીને 125 ટકા કર્યો છે. ચીને 84 ટકા ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે આ કાર્યવાહી કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, વૈશ્વિક બજાર પ્રત્યે ચીનના અનાદરને કારણે, હું ચીન પર ટેરિફ વધારીને 125 ટકા કરી રહ્યો છું. આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આશા છે કે, આવનારા સમયમાં ચીન સમજશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂંટવાના દિવસો પૂરા થઈ ગયા છે. અગાઉ અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર યુદ્ધ વધુ ઘેરું બન્યું છે. અમેરિકાએ ગઈકાલે ચીન પર 104 ટકા જવાબી ટેરિફ લગાવવાનું એલાન કરતાં ધુંધવાયેલા ચીને પણ ઘોષણા કરી છે કે તે આવતીકાલ, ગુરુવારથી અમેરિકી વસ્તુઓ પર 84 ટકા ટેરિફ લગાવશે જે પહેલાં ઘોષિત કરવામાં આવેલા 34 ટકાથી ઘણા વધુ છે. દરમ્યાન, યુરોપિયન યુનિયન (ઈયુ)એ પણ અમેરિકા પર પચ્ચીસ ટકા સુધી ટેરિફ લાદીને ટ્રમ્પ સામે ન ઝૂકવાના સંકેત આપ્યા છે.  બુધવારે ટ્રમ્પના ટેરિફ પર વળતો પ્રહાર કરીને  યુરોપિયન યુનિયને કેટલાંક  યુએસ ઉત્પાદનો પર 25 ટકા સુધીના ટેરિફને મંજૂરી આપી હતી. આ પગલાં દ્વારા ઈયુ, અમેરિકા પર કરાર પર પહોંચવા માટે દબાણ લાવવા માંગે છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd