• શનિવાર, 19 એપ્રિલ, 2025

વધુ મંજૂર ગ્રાન્ટમાંથી 50 લાખ `કેચ ધ રેઈન ' માટે

મુંદરા, તા. 10 : `જળનું મહત્ત્વ સમજો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરસાદી પાણીના સંગ્રહ માટે `કેચ ધ રેઈન'નું આહ્વાન આપ્યું છે. હવે ધારાસભ્યો માટે ગ્રાન્ટની મર્યાદામાં એક કરોડનો વધારો કરાયો છે, ત્યારે આ વધારાની મંજૂર ગ્રાન્ટમાંથી 50 લાખની રકમ જળસંચય માટે વપરાશે.' એવી પ્રતિબદ્ધતા આજે માંડવી મતવિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મુંદરા તાલુકામાં રૂા. 939.03 લાખનાં વિવિધ વિકાસકામોનાં ખાતમુહૂર્ત પ્રસંગે વ્યક્ત કરી હતી. મુંદરા તાલુકા પંચાયત પરિવાર અને મુંદરા ભાજપ પરિવાર દ્વારા મુંદરા પંચાયત પ્રાંગણમાં ગુરુવારે સવારે ખાતમુહૂર્ત કર્યા બાદ આયોજિત સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં શ્રી દવેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વાસ રાખી મત આપ્યા એ ઋણ છે અને મતવિસ્તારના સર્વેનું કોઈ ભેદભાવ વિના કામ કરી સરકાર અને લોકો વચ્ચે કડીરૂપ બની રહ્યો છું. આ ખાતમુહૂર્ત ઉપરાંત 17 કામનાં ટેન્ડર બહાર પડી ગયાં છે. 27 કરોડનાં કામો મંજૂરીની પ્રક્રિયામાં છે. ક્યારેક વહીવટી પ્રક્રિયાથી મુશ્કેલી થાય, પણ એ પૂર્ણ કરવાના પ્રયાસ થાય જ છે. પત્રી - કુંદરોડી માર્ગ મંજૂર થઈ ગયો છે અને વાઘુરા-બગડા-ફાચરિયા માર્ગને પણ મંજૂરી મળી જશે.  તાલુકાનાં રતાડિયા, શિરાચાભદ્રેશ્વરલુણીબેરાજા ટેકરીવડાલા સહિતના વિસ્તારમાં રસ્તા, બોક્સ કલ્વર્ટ સહિત વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ કહ્યું કે, વિકાસકામો આગળ ધપી રહ્યાં છે અને ભાજપ સરકાર જે જાહેરાત કરે એ કામ પૂર્ણ થવાનું નક્કી જ છે. ધારાસભ્ય શ્રી દવે દ્વારા ગાંધીનગરમાં કામોની પ્રક્રિયાને ઝડપી કરવાના થતા પ્રયાસોને પણ તેમણે બિરદાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ અરાવિંદ પટેલે મુંદરાના બારોઈ રોડને મહત્ત્વનો ગણાવતાં કહ્યું કેરોડ બન્યા પછી તોડવો ન પડે એ માટે પહેલાં પ્રાથમિક સુવિધાઓની લાઈનો જરૂરી છે અને શહેરમાં હજુ ઘણા કામો થશે. તાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાએ કહ્યું કે, જનપ્રતિનિધિઓ મોટી રકમની ગ્રાન્ટ લાવે છે, ત્યારે જાગૃત નાગરિકો તરીકે બધાની ફરજ બને છે કે, ક્યાંય ગુણવત્તામાં બાંધછોડ નથી થતી ને એ બાબતે જાગૃત રહે. મુંદરા નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ બારોઈ રોડ શ્રેષ્ઠ બનશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, દેશની સાથે મુંદરામાં પણ અનેક વિકાસકામો ચાલી રહ્યાં છે. બગીચા બન્યા છે અને હવે એક - બે મહિનામાં જ નર્મદાનાં પાણીનાં આગમન સાથે ઘર ઘર પહોંચશે. જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્ર ગઢવીએ કહ્યું કે, મોટી ગ્રાન્ટ સાથે હવે વિકાસનાં ફળ ગ્રામ્ય સ્તર સુધી પહોંચી રહ્યાં છે. આ પહેલાં તાલુકા પંચાયત પ્રમુખ મહિપતાસિંહ ગાભુભા જાડેજાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. રતાડિયાના રાજેશ ગઢવીએ ગ્રામ્ય વિસ્તારો વતી અનુદાન બદલ ઋણ સ્વીકાર કર્યો હતો.  વિવિધ ગામનાં સ્વસહાય જૂથોને કુલ રૂા.  37.50 લાખના ચેકોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. કારાઘોઘા અને ભદ્રેશ્વરના આગેવાનોએ ધારાસભ્યનું સન્માન કર્યું હતું. જનસેવા સંસ્થા દ્વારા ચકલીઘર અને પાણીનાં કૂંડાંઓનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું હતું.  કાર્યક્રમમાં જિ.પં.  સભ્યો પ્રદ્યુમનાસિંહ જાડેજા, દેવશી પાતારિયા, પૂર્વ ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, મુંદરા સુધરાઈ હોદ્દેદારો જિતેન્દ્ર માલમ, ભોજરાજ ગઢવી, દિલીપ ગોર તેમજ યુવરાજાસિંહ જાડેજા, પ્રેમજી સોધમ, અમુલ દેઢિયા વગેરે મંચસ્થ રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીનાં માર્ગદર્શનમાં પંચાયત સ્ટાફે આયોજન સંભાળ્યું હતું. સંચાલન નિલેશ પરમારે કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd