સોમવારે ભારતીય શેરબજારોમાં બોલી ગયેલા કડકાએ વૈશ્વિક આર્થિક
પડકારોની સામે સજ્જતા કેળવવાની જરૂરત છતી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના લગભગ તમામ દેશો સામે છેડેલા ટેરિફ
જંગના ચોમેર પડઘા પડી રહ્યા છે. વૈશ્વિક સ્તરે વેપારના સ્થાપિત ધોરણો ખોરવાઈ ગયાં છે.
મોટાભાગના દેશો હવે નવી વ્યવસ્થા ઊભી કરીને નુકસાનને હળવું કરવા મંથન કરી રહ્યા છે. હાલે બજારમાં જાગેલી અનિશ્ચિતતા અને ચિંતાના માહોલમાં
ભારતે પણ હવે સાવચેતી સાથે નવી વ્યવસ્થા ઊભી કરવા પર ધ્યાન આપવાની જરૂરત છે. અમેરિકા
નવમી એપ્રિલથી વિશ્વના મોટાભાગના દેશો સામે નવા ટેરિફ દરનો અમલ શરૂ કરી દેશે. આમ તો અમેરિકાએ તેને ત્યાં આયાત પર દસ ટકાનો ટેરિફ
દર પાંચમી એપ્રિલથી લાગુ કરી દીધો છે. હવે
બુધવારે અલગ અલગ દેશોની સામે વધારાના ટેરિફનો બોજો લાદવામાં આવશે. ભારત સહિત લગભગ 60 દેશો પર ટ્રમ્પના આ પગલાંની
સીધી અસર પડશે. અમેરિકામાં ઘરઆંગણે આ ટેરિફના દરોમાં વધારાની સીધી અસર ભાવવધારાના સ્વરૂપમાં
વર્તાવી શરૂ થઈ ચૂકી છે. અમેરિકામાં નાગરિકો
પણ આ ટેરિફના વધારાનો ભારે વિરોધ કરવા માર્ગોમાં ઊતરવા લાગ્યા છે. સોમવારે વિશ્વની ટોચની શેરબજારોમાં ભારે કડકો બોલી
ગયો હતો. ભારતમાં સેન્સેક્સ 2200 પોઈન્ટ ગગડી
જતાં રોકાણકારોના 16 લાખ કરોડ
ધોવાઈ ગયા હતા. જો કે, મંગળવારે ભારતીય
બજારોમાં સુધારો નોંધાયો છે છતાં રોકાણકારોમાં
ભયની લાગણી સતત વધી રહી છે. ભારતને લાગેવળગે
છે ત્યાં સુધી અમેરિકાએ ટેરિફ લાદવાના લીધેલા અભૂતપૂર્વ પગલાંને પહોંચી વળવા વિવિધ
સ્તરે ત્વરિત સજ્જતા કેળવવાની તાકીદની જરૂરત છે. ખાસ તો ઘરઆંગણાની માંગને પહોંચી વળવા
મેક ઈન ઈન્ડિયાના મંત્રને વધુ સાર્થક કરવાનાં પગલાં લેવાવાં જોઈએ. બીજું વિશ્વમાં હવે કિફાયતી અને શ્રેષ્ઠ ઉત્પાદનો
માટે ભારતની નામના વધી રહી છે ત્યારે નિકાસ માટે અન્ય દેશોની બજારો સુધી પહોંચ વધારવા
પર ધ્યાન આપવાથી દેશના અર્થતંત્રને અમેરિકાનાં પગલાં સામે કવચ મળી શકે તેમ છે. આ સંદર્ભમાં
ભારતે ચીન, બ્રાઝિલ, ફ્રાંસ જેવા 20 દેશો સાથે મુક્ત વેપાર કરાર
માટે ચાલતી વાટાઘાટોમાં વેગ આણીને આ કરાર કરીને નિકાસ વધારવાની નવી તકો ઊભી કરવી જોઈએ.
ત્રીજી ખાસ બાબત એ છે કે ભારતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીને પણ સાકાર કરીને
ટેરિફની અસરોને દૂર અથવા હળવી બનાવવા નક્કર કાર્યવાહી કરવા પર પણ ધ્યાન આપવાની જરૂરત
વર્તાવા લાગી છે. આ ટેરિફની અસર ઓછી નહીં થાય
તો ભારતના અમેરિકાને નિકાસના વેપારમાં પ.76 લાખ કરોડ ડોલરનો ભારે ઘટાડો થઈ શકે એવી આશંકા વર્તાવા લાગી છે. અમેરિકા સાથેના સંબંધોને ધ્યાનમાં લઈને રાજદ્વારી
રીતે ભારતે આ ટેરિફના દર ઘટાડવા અથવા સાવ દૂર કરવા પ્રયાસો હાથ ધરવાની પણ જરૂરત છે.
અમેરિકાને પોતાને પણ ટેરિફના મામલે દુનિયામાં એકલા પડી જવાનું કોઈપણ હિસાબે પોષાય તેમ
નથી. આવનારા સમયમાં ભારતે વધુ સક્રિય અને સજાગ રહેવું પડશે.