ગાંધીધામ, તા. 10 : ગાંધીધામમાં પ્રભુ મહાવીર જન્મ
કલ્યાણકની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય રથયાત્રા સહિતના
ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં
બહોળી સંખ્યામાં જૈન સમાજના લોકો ઊમટયા હતા. શોભાયાત્રામાં બાઈક-સાઈકલ રેલી ઉપરાંત
વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વેળાએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું
હતું. જૈનોની ચૈત્રી માસની આયંબિલ ઓળી પૂર્ણતાના આરે છે. આકરા
તાપ વચ્ચે આયંબિલ તપની આરાધના કરવામાં આવી રહી છે. નવ દિવસ સ્વાદ વિનાનું ભોજન,
ઘર્મ ધ્યાન દ્વારા જિન ભક્તિ કરી રહ્યા છે. કચ્છના ઉપાશ્રયોમાં આયંબિલ
અર્થે ગુરુ ભગવંતોનાં પ્રવચનનો શ્રાવકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. બાળકોથી લઈને
મોટી ઉંમરના શ્રાવક-શ્રાવિકાઓ ધર્મ આરાધનાની હેલી સર્જી રહ્યા છે. ગાંધીધામમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પ્રસંગે
વિવિધ ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આહિંસા પરમો ધર્મનાં સંદેશ સાથે પ્રભુ મહાવીરની
ધર્મયાત્રા યોજાઈ હતી. જૈન મંદિરથી ધર્મયાત્રા
પ્રસ્થાન કરી ઝંડાચોક, ચાવલાચોક, ગાંધીધામ મુખ્ય બજાર, સહિતના માર્ગો ઉપર ફરીને પુન: દેરાસર
ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા, ધાર્મિકયાત્રામાં રંગોળી,
ધ્વજા, જનતા બેન્ડ, માધાપર બેન્ડ, નાશિક
ઢોલ તેમજ વિવિધ ફ્લોટસ, સાયકલ રેલી, બાઈક
રેલી આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. આ વેળાએ આચાર્ય ભગવંત, સાધુ
-સાધ્વીઓ, ગાંધીધામનાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર,
બૃહદ જૈન સમાજના પ્રમુખ ચંપાલાલજી પારખ, જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ રોહિત શાહ,દિવ્યાબેન નાથાણી,
રાજુભાઈ શાહ, ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
તેજશ શેઠ, મહેશ પુજ,
સુરેશ શાહ, મૌલિક શાહ, મધુકાંત શાહ, પ્રકાશ જૈન, વિજય
મહેતા, મુકેશ પારખ, મુલચંદભાઈ વોરા, દિપક
પારખ, શૈલેન્દ્ર જૈન, અભિષેક ખુરાના,
અમિત જૈન, નિકુંજ ચોપડા, સંદીપ બાગરેચા,સમીર મહેતા, રાજુભાઈ
જૈન, મિતેશ મોતા,
ડો.ચેતન વોરા, જિતેન્દ્ર મહેતા, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર,
ભરત મીરાણી, કમલેશ પરિયાણી, નરેશ ગુરબાણી વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા. આ વેળાએ રાજસ્થાન જૈન નવયુવક મંડળ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 60 લોકોએ રક્તદાન
કર્યું હતું. આયોજનમાં મુકેશ પારેખ, મદન વગતાણી, જિતેન્દ્ર શેઠિયા, મુકેશ સિંઘવી, મહાવીર પારેખ, ઓમપ્રકાશ
ચોપરા સહયોગી બન્યા હતા.