ભુજ,તા. 17 : વિદ્યાર્થીઓમાં
સારા સંસ્કારનું સિંચન થાય એ હેતુસર પ્રાથમિક વિભાગના આચાર્ય પંકજબેનના માર્ગદર્શન
હેઠળ વેલેન્ટાઈન દિને `માતૃ-પિતૃપૂજન' કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા
વિદ્યાર્થીના માતા-પિતાને સામૂહિક રીતે બેસાડી તેમનાં સંતાનો દ્વારા કુમકુમ
તિલક સાથે પૂજન કરી ચરણસ્પર્શ કર્યા
ત્યારે દરેક વિદ્યાર્થી અને વાલીની આંખો પ્રેમાશ્રુથી છલકાઈ ઉઠી હતી. શાસ્ત્રોક્ત
વિધિપૂર્વક પૂજન સંગીતાબેન જોષીએ કરાવ્યું હતું. માનસીબેન પરમારે શાળાના
વિદ્યાર્થી ટીમ સાથે માતા-પિતા,
દીકરા-દીકરીને લગતા `જનની જોડ સખી.., તેરી લાડકી મેં...,
ભૂલો ભલે બીજું બધું..., પાપા મેરે પાપા...,
દીકરો મારો લાડકવાયો' જેવાં ગીતો ગાઇને લોકોને
ભાવમય બનાવી દીધા હતા, જેમાં ભાવેશભાઈ ગોસ્વામી, જિગરભાઈ માંકડ અને સંગીત ટીમે સહયોગ આપ્યો હતો. આચાર્ય પંકજબેને
માતા-પિતાનું સ્વાગત કરતાં કહ્યું કે, માતા-પિતાના પૂજન
દ્વારા વિદ્યાર્થીઓમાં ઉમદા સંસ્કારોનું ઘડતર થઈ શકે. મોટાબેન નલિનીબેન શાહે
માતૃ-પિતૃપૂજન કાર્યક્રમનું આયોજન કરવા બદલ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા. માધ્યમિક
વિભાગના આચાર્ય સુહાસબેન તન્ના અને ઢીંગલીઘરના આચાર્ય અનિલાબેન ગોર પણ ઉપસ્થિત
રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમથી પ્રભાવિત થયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ અભિપ્રાયો
આપ્યા હતા. શાળાના આધારસ્તંભ માણેકલાલ શાહની પુણ્યતિથિ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ
સમગ્ર સ્ટાફે દાદાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંચાલન જીનલબેન ગોર અને
આભારવિધિ વૈશાલીબેન શાહે કરી હતી. આ કાર્યક્રમની સફળતા માટે શાળાના મેનેજિંગ
ટ્રસ્ટી મુકેશભાઈ શાહ તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળે સમગ્ર સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા
હતા.