• બુધવાર, 12 માર્ચ, 2025

રાપર-ભચાઉ સુધરાઈનો તાજ કોને ? આજે ફેંસલો

રાપર, ભચાઉ, તા. 17 : વાગડમાં રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાલન પૂર્ણ  થયા  બાદ આવતીકાલે સવારે મતગણતરી કરાશે. મતગણતરીની તૈયારીઓ તંત્ર  દ્વારા પૂરી કરવામાં આવી છે. રાપરમાં મતગણતરી નગરપાલિકામાં પ્રથમ માળે થશે જે માટે કાઉન્ટિંગ ટેબલો, ઉદઘોષણા, બેઠક વ્યવસ્થા વગેરે ખુદ ચૂંટણી અધિકારી એસ.જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ચાર કાઉન્ટિંગ ટેબલ પર ક્રમાનુસાર એકથી સાત વોર્ડની બૂથવાર મત ગણતરી યોજાશે. સાત વોર્ડનાં ક્રમશ: પરિણામ જાહેર કરવામાં આવશે, તેમ નાયબ મામલતદાર મહેશ ઠક્કરે જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે. ચૌધરી અને મદદનીશ ચૂંટણી અધિકારી એચ.બી. વાઘેલાનાં સીધા માર્ગદર્શન હેઠળ 65 જેટલો પોલિંગ સ્ટાફ આ કામગીરીમાં જોડાશે. સવારે નવ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. બે વર્ષથી પ્રજાકીય પ્રતિનિધિઓ વગરની નગરપાલિકામાં કોના પર મતદારરાજા કળશ ઢોળે છે, તે આવતીકાલે બપોર સુધીમાં નિશ્ચિત થઈ જશે. ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી કરવા વહીવટી તંત્ર દ્વારા આયોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વોંધ નજીકના નેશનલ હાઇવે પર આવેલા આઈટીઆઈ સંકુલ ખાતે સવારે આઠ વાગ્યાથી ઈવીએમ મશીનો ચૂંટણી અધિકારીની દેખરેખમાં ખોલવામાં આવશે અને ભાજપ-કોંગ્રેસ પક્ષના ઉમેદવારો તથા પાલિંગ એજન્ટોની હાજરીમાં  મતગણતરી શરૂ થશે. આ કામગીરી માટે તંત્રના 50 જેટલા કર્મચારી તૈનાત રહેશે. ઉપસ્થિત લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે ભીડને સંભાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બેરીકેટ ગોઠવવામાં આવશે.  ભચાઉમાં સુધારાઈમાં કુલ સાત વોર્ડ આવેલા છે અને 28 બેઠક છે. અહીં ભાજપે ચૂંટણી પહેલાં જ 17 બેઠક બિનહરીફ મેળવી સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસના ચાર ઉમેદવાર તથા ભાજપના 11 ઉમેદવાર માટે વોર્ડ 1, 2, 3 અને 6માં મતદાન થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd