• ગુરુવાર, 13 માર્ચ, 2025

શિક્ષણ-સામાજિક ક્ષેત્રે સમાજને આગળ લઇ જવાનો દૃઢ નિર્ધાર

ભુજ, તા. 9 : અહીંના કચ્છ ચારણ સમાજ વિશ્રાંતિ ભવન ખાતે ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા 30મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં આઠ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડીને સામાજીક જ્ઞાતિ ગંગાના પાવન સાંનિધ્યમાં દિવ્ય ગૃહસ્થાશ્રમનો પ્રારંભ કર્યો હતો.  સૌના સહયોગથી સમાજને શિક્ષણ અને સામાજીક ક્ષેત્રે આગળ લઇ જવાનો દૃઢ નિર્ધાર અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. 1995માં મોરજર - કચ્છ ખાતે પ્રારંભ થયેલ આ સમૂહલગ્નોત્સવ પરંપરાનું બે દાયકા સુધી મોરજર ગઢવી યુવક મંડળે સફળતાપૂર્વક જતન  કર્યા બાદ દસ વર્ષથી સમૂહલગ્નનો તખ્તો ભુજ ખાતે ખસેડાયો હતો. સંસ્થાના અધ્યક્ષ જબ્બરદાન ગઢવીએ તેમની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા જીવનનો સંધ્યાકાળ સંપૂર્ણપણે સમાજને સમર્પિત છે. સમાજ જ મારો પરિવાર છે અને સમાજની ખુશીઓ અને સુખાકારીમાં જ મારા જીવનનું સાફલ્ય અને સાર્થકતા છે.  સમુહલગ્નનું ભુજ ખાતે છેલ્લા દસ વર્ષથી  સંચાલન કરવા બદલ  બંધુ ગ્રુપના સભ્યોને શિલ્ડ એનાયત કરી સન્માન કર્યું હતું. કાયમી ફાળાના દાતાઓ, કરિયાવરના દાતાઓ સહિત વિવિધ દાતાઓનું સન્માન કરી તેમને આવકારવામાં આવ્યા હતા. ડો. માલાબેન ગઢવી તેમજ પોલીસ સબ ઇન્સ્પેકટર નમ્રતાબેન ગઢવી, `િમલે સુર હમારા વુમન્સ કરાઓકે ગ્રુપ'ના પ્રમુખ પુજાબેન ઘનશ્યામદાન ગઢવીનું   સન્માન કરાયું હતું. જબ્બરદાન ગઢવી દ્વારા રૂપિયા 51 લાખનું   યોગદાન સમૂહલગ્નોમાં કાયમી આજીવન ફાળા પેટે પણ અર્પણ કરવામાં આવ્યું છે તેમજ સમાજના નિરાધાર વડીલો તેમજ શારીરિક, માનસિક દિવ્યાંગો માટે પારિવારિક ટ્રસ્ટના માધ્યમથી માસિક સહાય આપવાની ઘોષણા પણ કરવામાં આવી હતી.  અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજીક દાતા ચંદ્રશેખર નારસંગજી અયાચી તરફથી રૂપિયા 25 લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું છે હિંમતદાન ગોપાલજી ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હસ્તે ભરતભાઈ ગઢવી દ્વારા દર વર્ષે અંદાજીત 3 લાખના યોગદાન દ્વારા સમાજના જરૂરિયાતમંદ દાતાઓને રાશનકીટ અર્પણ કરવામાં આવે છે. જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક અગ્રણી એવા વિનોદદાન નથુદાન અવસુરા (ગઢવી)  - ભુજ દ્વારા સમાજમાં સમૂહલગ્નની ઉત્કૃષ્ટ પરંપરાને સુચારુરૂપે આગળ ધપાવવા માટે કાયમી આજીવન ફાળા પેટે રૂપિયા 2 લાખ 51 હજારનું મહામૂલું યોગદાન જાહેર કર્યું હતું. આ ઉપરાંત ભગવતીદાન ખોડીદાન પાયક - અંજાર દ્વારા પણ રૂપિયા 51 હજારનું નોંધપાત્ર અનુદાન અર્પણ કર્યું હતું.  સમૂહલગ્નમાં જોડાનાર દીકરીઓના સંપૂર્ણ કરિયાવરના દાતાઓ તરીકે જબ્બરદાન નારાણજી રત્નુ (આદિપુર), સ્વ. ભગવાનજી ખાનજી અયાચી પરિવાર (ગાંધીધામ), સ્વ. રવદાન ડોસાજી સિંહઢાયચ પરિવાર (જનાણ - ખડીર), ભરતદાન વાઘજી રત્નુ પરિવાર (રાયધણપર), ખેંગારદાન મહીદાન રોહડીયા પરિવાર (અંજાર), સ્વ. રવિદાન ઉમરદાન રોહડીયા પરિવાર (જામથડા), શ્રી મીરજાપર ગઢવી સમાજ તથા સામાજીક ઉત્કર્ષ ટ્રસ્ટ યુવા પાંખનો સહયોગ સાંપડ્યો હતો. આ ઉપરાંત ઉત્કર્ષ ટ્રસ્ટના યુવા પાંખના પ્રમુખ પ્રદીપદાન રોહડીયાની એક નવી પહેલને વધાવતા સમાજના અનેક પરિવારોએ એક વર્ષમાં 2 લાખ 60 હજારની રકમ સામાજીક સદપ્રવૃતીઓ કાજે અર્પણ કરી હતી. જગદીશદાન ગઢવી (મિત રોડવેઝ), ભરતદાન ગઢવી (અંજની રોડવેઝ) તેમજ પ્રફુલ્લદાન ગઢવી દ્વારા વિશેષ બહુમાન કરાયું હતું. સંસ્થાની મહિલા પાંખના અધ્યક્ષપદે સર્વાનુમતે ડો. કુંદનબેન વિકાસદાન ગઢવીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જબ્બરદાન ગઢવી, ધારી એ.એસ.પી. જયવિરદાન ગઢવી, નરેન્દ્રદાન ગઢવી, કિશોરદાન ગઢવી (ભારાપર), જયંતિદાન ગઢવી, વિનોદદાન ગઢવી, ભુજ તાલુકા પંચાયત સતાપક્ષ નેતા રમેશદાન ગઢવી, પ્રફુલ્લદાન ગઢવી, ભરતદાન ગઢવી, કિશોરદાન ગઢવી (માધાપર), વસંતદાન પાયક, સુરેશદાન ગઢવી, દિનેશદાન ગઢવી સહિતનાઓ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. - બે હજાર છાત્રને એક કરોડની શિષ્યવૃત્તિ ચૂકવાઇ : સમૂહલગ્નની સાથોસાથ છેલ્લા 27 વર્ષથી સ્વ. અમિત જે ગઢવી ટ્રસ્ટ દ્વારા અપાતી શિષ્યવૃત્તિએ પાછલા પોણા ત્રણ દાયકામાં જાણે સમાજની શિક્ષણ પ્રત્યેની વર્ષો જુની અતૃપ્તતા સંતોષી છે. આજદિન સુધી સંસ્થાના અધ્યક્ષ જબ્બરદાન ગઢવી દ્વારા 2000 જેટલા વિદ્યાર્થીને  રૂપિયા એક કરોડ જેટલી શિષ્યવૃતિની રકમથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, જેણે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સુખદાયી પરિણામો આપ્યા છે. ચાલુ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા 27મા શિષ્યવૃત્તિ સમારોહ પ્રસંગે  117 છાત્રને  3.37 લાખની  શિષ્યવૃત્તિ પુરસ્કાર રૂપે ચૂકવાઇ હતી. - ભુજમાં અત્યાધુનિક લગ્નવાડી બનાવવા 1.71 કરોડનું દાન : ત્રીસમા સમૂહલગ્ન પ્રસંગે સાંપ્રત સમયમાં સમાજની શૈક્ષણિક ક્રાંતિના જનક ગણાતા સંસ્થાના આજીવન પ્રમુખ જબ્બરદાન નારાણજી રત્નુ દ્વારા તેમના સામાજીક દાનના સીમાચિહ્નોને અનેરી ઊંચાઈએ પહોંચાડતા ભુજ ખાતે એક અત્યાધુનિક લગ્નવાડી બનાવવા અર્થે રૂપિયા 1 કરોડ 71 લાખ જેટલી માતબર રકમનું અનુદાન જાહેર કર્યું હતું અને રાષ્ટ્રીય ફલક પર ચારણ સમાજમાંથી સામાજીક સત્કાર્યો કાજે સૌથી વધુ રકમનું દાન આપનાર ગૌરવવંતા દાતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd