• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

માટી - કાંપ ઉપાડવાને લઈને તંત્ર દ્વારા થતી કનડગત મામલે ખેડૂતો દ્વારા ફરિયાદ

નખત્રાણા, તા. 19 : અતિવૃષ્ટિથી ખેતીવાડીના ઠામો તથા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરંમત કરવા માટી-કાંપ ઉપાડવા જતા ખેડૂતોને તંત્ર દ્વારા થતી કનડગત  અંગે આવેદનપત્ર આપી લેખિત ફરિયાદ કરાઈ હતી. ગત જન્માષ્ટમી તેમજ ચોમાસામાં અતિવૃષ્ટિ, વાવાઝોડાંથી ખેતીવાડીના ઠામોમાં ધોવાણથી ભારે નુકસાન થતાં રસ્તાનાં મરંમત કામો માટે માટી-કાંપની જરૂર હોતાં તે ઉપાડવા જતાં ખેડૂતોને ખનિજ તથા પોલીસ તંત્ર દ્વારા કનડગત / રૂકાવટ કરાયા હોવાનો આક્ષેપ કરાયો હોવાનું યાદીમાં જણાવાયું હતું. આ અંગે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ વિભાગના તાલુકાના સંગઠન દ્વારા અધિકારી, પદાધિકારીઓ સમક્ષ આવેદનપત્ર રજૂ કરી લેખિત ફરિયાદ કરાઈ હતી. આ સમસ્યા નિવારવા કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઈ કેસરાણી, ઊપપ્રમુખ ચંદુલાલ ડોસાણી, પ્રદીપભાઈ યાદવ, મહામંત્રી જગદીશભાઈ લીંબાણી, સહમંત્રી દિપેશભાઈ રામાણી તથા જેન્તીભાઈ પોકાર સહિતના આગેવાનો દ્વારા મામલતદાર એ. એન. શર્મા તથા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને લેખિત આવેદનપત્ર રજૂ કરાયું હતું. આ ઉપરાંત ખેડૂતોને ખેતીના પાકને વીજતંત્ર દ્વારા અપાતો આઠ કલાક વીજ પુરવઠો બે કલાક વધારીને 10 કલાક કરવાની માંગ કરાઈ હતી, જેથી આવશ્યક પાણી પીયત કરવાથી પાકને નુકસાનીથી બચાવી શકાય તેવું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang