• મંગળવાર, 23 જુલાઈ, 2024

સાંજ પડેને નભ વરસે... કચ્છમાં વાવણીનાં એંધાણ

ભુજ, તા. 9: કચ્છ માટે ભાગ્યવિધાતા ગણાતા મેઘરાજાએ અસલ આષાઢી મિજાજમાં હેત વરસાવી જિલ્લાને દસેય તાલુકામાં સાર્વત્રિક અડધોથી ચાર ઈંચની મહેર વરસાવી ધરાને પુલકીત કરી હતી. નખત્રાણા તાલુકામાં સૌથી વધુ એકથી ચાર, અબડાસામાં એકથી બે, માંડવીમાં એક ઈંચ, ભુજમાં પોણાથી એક, અંજારમાં એકથી દોઢ સાથે જિલ્લાભરમાં વરસાદી હેલી વરસી હતી. હજુ પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉખેડા પાસે નદીના પ્રવાહમાં કાર તણાતા સ્થાનિક સહિતના સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા હતા. સાંજના સમયે જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ ગાજવીજ સાથે શરૂ થયો હતો. વાવણી લાયક વરસાદ પડયા સાથે અનેક ગ્રામ્ય તળાવોમાં નવા નીર આવ્યા હતા. - નખત્રાણા તાલુકામાં તોફાની હાજરી : મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું કે, નખત્રાણા તાલુકાના જે ગામો વરસાદની આગમનની આતુરતાથી રાહ જોતા હતા એવા ગામડાંઓમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ હતી. ભડલીથી માજી સરપંચ ગુલામ મકવાણાએ કહ્યું હતું, પવનની લકીરે આવેલ મેઘસવારી એક કલાકમાં 1 ઇંચ વરસાદથી વિસ્તારને તરબોળ કર્યો હતો. થરાવડા, મોરજર, અકાદના વિસ્તારમાં પણ આવો જ વરસાદ હતો. જિયાપરના પૂર્વ સરપંચ વિજયાબેન ગોસ્વામીએ જિયાપર, કુરબઇ, મંગવાણા, માધાપર, મંજલ વિસ્તારમા આજે એક ઇંચ વરસાદ પડયાના વાવડ આપ્યા હતા. - કોટડા (જ.)માં ચાર ઇંચ : કોટડા (જ.) વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ભોજરાઇ અને ધોળા તળાવમાં નવા નીરના કારણે તળાવો છલકાયા હતા. ભુખી નદીની આવના કારણે ભગવતી ટ્રેડિંગથી નલિયા રોડ પર પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે સાત વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના કારણે બાકી જે કપિત જમીનોને આ વરસાદથી ફાયદો થશે તેવું પ્રગતિશીલ ખેડૂત શાંતિલાલ નાકરાણીએ જણાવ્યું હતું. ખાંભલા ગામને જોડતો રસ્તો વાડી વિસ્તારની આવના કારણે બંધ થયો હતો તેવું ક્ષત્રિય યુવાન હિતુભા સોઢાએ જણાવ્યું હતું. ચોમાસા ઋતુના દ્વિતીય પુનર્વસુ નક્ષત્ર આરંભ થયાને આજે ચોથા દિવસે નખત્રાણા તાલુકાના મોટાભાગના વિસ્તારના ગામોમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. છગનભાઇ ઠક્કરના અહેવાલ અનુસાર પંથકમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ રસલિયા, ખોંભડી, ટોડિયા, ઉખેડા, નેત્રા, કાદિયા નાનામાં બે ઇંચ જેટલો પડયાનું રસલિયાના અગ્રણી વેપારી પ્રદીપભાઇ સચદેએ જણાવ્યું હતું. કાદિયા, જડોદર, ઉખેડામાં પણ મુશળધાર વરસાદથી નદી-નાળા છલકાયાનું નીતિનભાઇ જોશીએ જણાવ્યું હતું. રસલિયાના સરપંચ જેન્તીભાઇ પરમારે ખુશી સાથે જણાવ્યું હતું કે, શાંતિથી વરસેલા વરસાદે આ વિસ્તારને ન્યાલ કરી દીધા છે. મોટી વિરાણીથી વરસાદની સત્તાવાર માપણી કરતાં અદ્રેમાન ઉઠારે વિરાણી તથા નાની વિરાણી, સુખપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસતાં નદી-નાળામાં પાણી જોશભેર વહી નીકળ્યા હતા. નખત્રાણામાં પણ બે ઇંચ વરસાદ વરસતાં નદી-છેલા જોશભેર વહ્યા હતા તેવું મેઘજીભાઇ ચારણે જણાવ્યું હતું. દેવીસરથી વેપારી શૈલેષભાઇ આઇયાના જણાવ્યા મુજબ આજુબાજુના સમગ્ર વિસ્તારના ગામોમાં દોઢથી બે ઇંચ વરસાદથી ખુશીની લહેર ફરી વળી છે. રસલિયાનું ભીમનાથ તળાવ અડધાથી વધુ ભરાયું છે તેવું પ્રદીપભાઇ સચદેએ જણાવ્યું હતું. વિથોણ પંથકમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતાં પ્રથમ વખતે વોકળે પાણી વહ્યા હતાં. સાંજે 7 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડયો હતો. ભારે ગરમી અને ઉકળાટ બાદ રવાપર, નાગવીરી, નવાવાસ, ઘડાણી, વિગોડી સહિત આજુબાજુના વિસ્તારમાં સાંજે છ વાગ્યા બાદ વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. - નેત્રામાં અઢી ઇંચ- મોટી વિરાણીમાં ત્રણ ઇંચ : નેત્રામાં બીજા રાઉન્ડમાં આવેલા વરસાદથી સરકારી દવાખાનાના મુખ્ય ગેટ અંદર પાણી પ્રવેશ્યું હતું. તો વથાણમાં દોઢ ફૂટ પાણી ભરાયા હતા. અઢી ઇંચ વરસાદથી દુકાનોમાં પાણી ભરાયા હતા. આ તરફ મોટી વિરાણીમાં ત્રણ ઇંચ વરસાદથી બજારોમાં જોશભેર પાણી વહ્યા હતા. મંગવાણા, સુખપર (રોહા), વિભાપર, ગંગોણ વિસ્તારમાં બપોર બાદ આવેલ વરસાદની હેલીએ બે ઇંચ વરસાદ વરસાવતાં નલિયા હાઇવે પર પાણીની ભરમાર સર્જાઇ હતી એવું મંગવાણાથી સૈયદ રિઝવાનશાએ જણાવ્યું હતું. સાંયરા, આણંદપર, પલિવાડ, સોખસાણ, યક્ષ વિસ્તારમાં પણ દોઢ ઇંચ વરસાદ પડયો હતો. મંગવાણાના સરપંચ પ્રતિનિધિ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ જ્યારે વરસાદ થાય અને એસ્સાર પેટ્રોલ પંપ પાસે તળાવ ઓગનતાં મોટા પ્રમાણમાં પાણી નલિયા-ભુજ હાઇવે પર ભરાય છે. આ સમસ્યાના નિવારણની માંગ કરી હતી. - લખપતના હૈયે ટાઢક : લખપત તાલુમામાં મોટા ભૂભાગ પર અડધાથી બે ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે પડતાં પશુપાલકના મુલકના લોકોના હૈયે ટાઢક વળી હતી. ભાડરા કોટડા-મઢ માર્ગે પાપડીમાં પુરપાટ પાણી વહી નીકળતાં જંગડિયા ડેમમાં પાણીના નવા નીર આવ્યા હતા, જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો તેવું ભાડરાથી મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વર્માનગરથી સુનીલ ગોરના જણાવ્યા મુજબ અહીં અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. બરંદાથી પ્રદીપ જોષીએ જણાવ્યું કે, સાંજના ભાગે ઝાપટારૂપી વરસાદ જોશભેર પડયો હતો. સાંયરાથી જસુભા જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકાના અનેક ગામોમાં વાવણીલાયક વરસાદ પડતાં પશુધન અને ખેડૂતોમાં આનંદ છવાયો છે. માતાના મઢ જી.એમ.ડી.સી. માઇન્સ અધિકારી શ્રી દાનીએ જણાવ્યું હતું કે, આજના વરસાદના કારણે થોડા સમય માટે ખાણનું કામ બંધ કરવામાં આવ્યું છે. વરસાદ બંધ થતાં પુન: કામગીરી શરૂ કરી દેવાશે. દયાપર, દોલતપર, સામજિઆરા, ઘડુલી, વોરાણ વાંઢ, ગુનેરી સહિતના અનેક ગામોમાં ભૂભાગ પર વરસાદ પડતાં લોકોમાં આનંદ છવાયો હતો. પૌરાણિક તીર્થધામમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. આજે આખો દિવસ બફારો રહ્યો હતો, સાંજ થતાં વાદળો ઘેરાયા હતા અને સાંજે 6 વાગ્યા પછી, ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. કનોજ, ગુદર, રોડાસર, સેદ પિપરમાં પણ વરસાદ પડયો હતો. પાવરપટ્ટીમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ છેલ્લા ઘણા દિવસોથી ભારે ગરમી અને ગોરંભાયેલા આકાશ વચ્ચે આજે બપોર બાદ સમગ્ર?પાવરપટ્ટીમાં અડધાથી દોઢ જેટલો વરસાદ પડયો હતો. પાલનપુર, ઝુરા, લોરિયા, સુમરાસર સહિતના વિસ્તારમાં અડધો ઈંચ જેટલો વરસાદ થયો હતો. પશ્ચિમે બિબ્બર,ખારડીયા, વંગ, થાન સહિતના વિસ્તારમાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયાં પછી વાવણીના ઉજળા સંજોગ સર્જાયા છે. દક્ષિણે ડુંગરાળ પંથકના ટાંકરાસર, કમાગુના, વટાછડ, સુમરાસર (જત), નથ્થરકૂઈ સહિતનાં વિસ્તારમાં બે ઈંચ જેટલું પાણી પડતાં પહાડી પંથકમાંથી નાના-મોટા ઝરણાઓ જોશભેર વહી નીકળ્યા હતા. ટાંકરાસર નજીક આવેલી વીંગડીવાળું તળાવ ઓગની ગયું હોવાનું ભુજ તા.પં.ના સદસ્ય મામદ રહીમ જતે જણાવ્યું હતું. દેશલપર (ગુ)માં સાંજે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 2 ઈંચ જેવો વાવણી લાયક વરસાદ પડી ગયો હતો. ખોંભડી ગામનું મંગલેશ્વર તળાવ ઓગની ગયું હતું. જ્યારે ધીણોધર ડુંગર ઉપરના યાત્રીઓને પીવાના પાણીના ટાંકા છલકાઈ ગયા છે તેવું મહંત મહેશનાથજી દાદાએ જણાવ્યું હતું. મથલડેમના ઓપરેટર દિનેશભાઈ મારવાડા તથા બાબુભાઈ જેપારના જણાવ્યા મુજબ મથલ તથા આજુબાજુના ગામોમાં આજે ત્રણેક ઈંચથી વધુ વરસાદ વરસતા ધરુડ નદી બે કાંઠે વહી હતી. જેથી મથલડેમમાં નવાનીરની આવ ચાલુ થઈ ગઈ છે. - અબડાસામાં અડધોથી દોઢ ઇંચ : અબડાસા તાલુકામાં આજે નલિયામાં ઝાપટાં સ્વરૂપે એક ઇંચ વરસાદ પડયો હતો. કોઠારામાં ઝાપટા પડયા હતા. જ્યારે તેરા ગામે ગાજવીજ સાથે ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. મગફળી સહિતના પાક માટે ફાયદાકારી થશે એવું ગિરીશ શાહે જણાવ્યું હતું. બિટ્ટા ગામમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. લાખણિયા કૂવાપદ્ધરમાં અડધાથી એક ઇંચના વાવડ મળ્યા હતા. ડુમરા, લઠેડી, છછી, નારાણપર વગેરે ગામમાં અડધોથી પોણો ઇંચના સમાચાર ચેતન ગોરે આપ્યા હતા. રાતા તળાવ વિસ્તારમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા એવું સણોસરાના સરપંચ પરેશસિંહ જાડેજાએ કહ્યું હતું. તો વિંઝાણમાં અડધો ઇંચ વરસાદનું સરપંચ સજ્જનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. - માંડવીમાં એક ઇંચ : એક અઠવાડિયું શક્તિ સંચય કર્યા બાદ આજે સાંજે મેઘરાજાએ બંદરીય શહેરની ધરાને એકાદ ઈંચની લગોલગ 22 મી.મી. જેટલી પલાળી હતી. ધૂમધડાકાની સવારીને પવનની પીઠ ઉપર આસ્વાદ થઈ ધરતીનો ધણી મહેરબાન થતાં શેરીઓ, નીચાણવાળા વિસ્તારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતાં. સાન્જીપડી વિસ્તારમાં જોશીલા વહેણ વહેતાં હટાણું કરવા નીકળેલાઓ પલળ્યા હતા. આજના વરસાદી આંક સાથે મોસમનો એકંદર આંકડો 167 મી.મી. એટલેકે સાડા છ ઈંચને પાર કરી ગયો હતો એમ કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે વિગતો આપતાં જણાવ્યું હતું. દુર્ગાપુર, ભારાપર, વાડાથી લાલજી ધોળું, નાની-મોટી રાયણથી શામજીભાઈ છાભૈયા, ડોણથી હરેશભાઇ પટેલ, ગંગાપરથી અર્જુનભાઈ વગેરેએ નાની-મોટી ભાડઈ  સહિત ગ્રામીણ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાનું જણાવ્યું હતું. - ગઢશીશામાં અડધો ઇંચ : માંડવી તાલુકાના ગઢશીશા ઉપરાંત રામપર વેકરામાં સાંજના સમયે પલટાયેલાં વાતાવરણ વચ્ચે ધોધમાર ઝડી વરસતાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ પડયાના અહેવાલ મળ્યા છે. - દહીંસરા પંથકમાં દોઢ ઇંચ : આઠ દિવસના વિરામ બાદ સમી સાંજે સાડા પાંચથી છ અડધા કલાકમાં દોઢ ઇંચ મેઘો મહેરબાન થતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. ગાજવીજના ચમકારે ધરતીનો ધણી વરસી પડયો હતો. ગજોડ, ચુનડી, પુનડી, સરલી, ધુણઇ, ગોડપર, મેઘપર, ખત્રી તળાવમાં વરસાદી વાવડ મળ્યા છે. કચ્છના કોટડા ચકાર પંથકમાં એકાદ કલાક ધોધમાર વરસાદ પડયો હતો તેવું રેહાના સરપંચ ગેલુભા જાડેજાએ જણાવ્યું હતું. પદ્ધર, કાળી તલાવડી અને આજુબાજુ વિસ્તારમાં બપોરે ગાજવીજ વચ્ચે ઝાપટાં પડયાં હતાં. રમેશભાઇ ખેતાભાઇ આહીરે જણાવ્યું હતું. રાપર તાલુકામાં વરસાદની સંતાકૂકડી. ગુજરાતમાં અને કચ્છમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે આજે રાપર નગર સહિત તાલુકાના ઘણાંબધાં ગામ ભીંજાયા હતા. સવારથી જ વરસાદી માહોલ અને અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરે અઢી વાગ્યે એક ઝાપટું વરસ્યાં બાદ સાંજે પાંચ વાગ્યાથી ધીમી ધારે શરૂ થયો હતો. તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો બેલા, મૌવાણા, હાઈવે પટ્ટીનાં ગાગોદર, પલાંસવા, વરણુ, ટીંડલવા, લોદ્રાણી, હમીરપર, ભીમાસર વગેરે ગામોમાં વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું હતું. નગરમાં ધીમી ધારે બે કલાક સુધી વરસતાં બજાર સહિતના માર્ગો પર પાણી વહ્યાં હતાં. - મુંદરા તાલુકામાં એક ઇંચ : તાલુકામાં આજે બપોર બાદ હવામાનમાં પલ્ટો આવતાં કાળા ડીબાંગ વાદળા સાથે સાંજે ઠંડો પવન ફૂંકાતાં તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. કણજરાથી ખેડૂત રવાભાઇ આહીરે જણાવ્યું હતું કે, ગાજવીજના કડાકા-ભડાકા સાથે જોતજોતામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાંકીથી સામજીભાઇ ડુડિયાએ અડધો ઇંચ વરસાદના અહેવાલ આપ્યા હતા. નગરમાં વરસાદનું ઝાપટું પડયું હતું. મુંદરામાં આજે બપોર પછી વાતાવરણ પલટાયું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. જાણે હમણાં વરસાદ તૂટી પડશે એવું અંધારું છવાયું હતું. સાંજ પછી એક તબક્કે વાતાવરણ ખુલ્લું થયું પણ આઠ વાગ્યાથી જોરદાર વરસાદ તૂટી પડયો હતો. બીજીબાજુ તાલુકાના પત્રી ગામેથી હરેશગર ગુંસાઇના જણાવ્યા મુજબ સાંજે ધોધમાર ઝાપટું વરસ્યું હતું અને રસ્તાઓમાં પાણી વહી નીકળ્યા હતા. કાંડાગરામાં પણ ઝાપટા વરસ્યા હતા. - પટેલ ચોવીસીમાં દોઢથી ત્રણ : પટેલ પટ્ટી પર આજે સાડા ચારથી જોરદાર બેટિંગ કરતાં લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. સામત્રાથી સુખપર સુધી કોડકીથી કેરા સુધી કયાંક ત્રણ તો કયાંક દોઢ ઇંચ વરસાદ થયો છે. સુરજપર કરગરિયા રખાલ અને લક્કી ચાડીથી છેક બળદીયા કેરા સીમને જોડતી લઘુગીરીમાળા પર પ્રચંડ તાકાતથી પાણી ઝીંકાયું હતું. પટેલ ગામોમાં ધધડિયા છૂટ વછૂટી રહ્યા હતા. સેડાતાથી સુરજપર ભારાપર ઉપર પાંચ વાગ્યે પૂર્વથી વાદળાં મંડરાયા હતા. એકાદ કલાકની રમઝટમાં આ ગામોમાં દોઢ ઇંચ, માનકુવા, સામત્રા, સુખપર, ગોડપર, ફોટડી, કોડકી પટ્ટામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું ભારાસરથી કાનજીભાઇ હિરાણી માનકુવાથી ગોવિંદભાઇ ભુડીયાએ વરસાદી વાવડ આપ્યા હતા. સરલીથી વિશ્રામભાઇ રાબડિયા, દહીંસરાથી કિશોરભાઇ પિંડોરિયાએ મેઘ આવકારની વાત હરખભેર કરી હતી. જોકે એક દોઢ કલાકની મહેર નદીઓમાં બે કાંઠે ચડે એ પહેલાં જ ગગન ઘોડા થંભી  ગયા હતા અને મેઘલાડુની આશા અધૂરી રહી ગઇ હતી. આજે માનકુવા મેઘરાજાની સૌથી વધુ કૃપા પામ્યું હતું. જ્યારે જેમ જેમ ભુજ બાજુ જતાં ઓછું હેત હતું. મિરજાપર, માધાપર કરતા પશ્ચિમ તરફના ગામોમાં વધુ વરસાદ પડયો હોવાનું ખેડૂતોએ વરસાદી વાવડ વહેંચતા ઉમેર્યું હતું. નારાણપર મેઘપરમાં પણ એક કલાકની જેરદાર રમઝટ બોલી હતી. કેરા વચ્ચેથી પસાર થતો રાજ્ય માર્ગ બે છેડે વહી નીકળ્યો હતો. કુંદનપરથી રવજીભાઇ કેરાઇએ કહયું આવો વરસાદ એક રાત રહી જાય તો વરસ બની જાય. - ભચાઉમાં દોઢ ઇંચ : સખત ગરમી ઉકળાટથી રાહત આપતો વરસાદ આજે બે તબક્કામાં સાંજે 3થી 4 દરમ્યાન 22 મિ.મી. અને પછી 7-30થી 8 દરમ્યાન 15 મિ.મી. જેવો પડતા આજે દોઢ ઇંચ જેવો પડયો હતો. સાંજે ભયજનક વિજળીના કડાકા ભડાકા થતા ભયનો માહોલ જામ્યો હતો. કબરાઉમાં પર અડધો એક ઇંચ વરસાદ પડયાનું ઉદાસીન આશ્રમના મહંત શ્રી કૃષ્ણાનંદજીએ જણાવ્યું હતું. શિકરા એક ઇંચ અહીથી રતીલાલ ભચુભાઇ પટેલ અને દિનેશ પરબતભાઇ પટેલ (સરપંચ શિકરા)એ શુકનરૂપ એક ઇંચ વરસાદ વાવણી માટે ઉપયોગી થશે એવું જણાવાયું હતું. - બન્ની વિસ્તારમાં એકથી દોઢ ઇંચ : બન્ની પંથકનું નામ આવે એટલે વરાસાદની કાગડોળે રાહ જોતો પંથક માલધારી મુલક હંમેશા વરસાદની રાહ જોતો હોય છે. આજે સમી સાંજે 5-25 વાગ્યે કાચાં સોના જેવી 1થી દોઢ નીર મહેર જામી હતી  સુખપર-માનકૂવા : દોઢથી બે ઇંચ વરસાદ નોંધાયો છે તેવું પંચાયતના કર્મચારી અનિલ વ્યાસ અને પ્રમોદસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સામત્રા-ફોટડી : વિસ્તારમાં  બે ઇંચ વરસાદના વાવડ જાદવજીભાઇએ આપ્યા હતા. કમાગુના, વટાછડા, પીરવાડી વિસ્તારમાં સારો વરસાદ થયાનું ઉમર અલાના સમેજાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang