• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓમાં ભાજપ ચોંકાવશે ?

નવી દિલ્હી, તા. 6 : વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે જાણીતા છે. ચર્ચા છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપમાં જે નામોની જોરશોરથી ચર્ચા છે તેમાંથી કોઈની પસંદગી નહીં થાય ! અને કોઈ નવો જ ચહેરો સામે આવી શકે છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, દિલ્હીમાં આજે યોજાયેલી એક મોટી બેઠકમાં ચૂંટણી જીતેલા બધા 12 સાંસદ સામેલ થતાં રહસ્ય વધુ ઘેરું બન્યું હતું. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. જેમાં ત્રણ રાજ્યના મુખ્યમંત્રી અંગે ચર્ચા કરાઇ હતી. ચૂંટણી જીતેલા 12માંથી 10 સાંસદોએ રાજીનામાં આપી દીધા છે. મધ્યપ્રદેશમાંથી નરેન્દ્રસિંહ તોમર સહિત પાંચ, રાજસ્થાનમાંથી રાજ્યવર્ધનસિંહ રાઠોડ સહિત ત્રણ, છત્તીસગઢમાંથી ગોમતી રાય સહિત ત્રણ સાંસદોએ પદ છોડયા છે. રાજસ્થાનમાં જીતેલા ત્રણેય નેતાને મંત્રીપદ મળી શકે છે. વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને રમન સિંહ માટે હવે કદાચ ફરી તાજ મેળવવાનું મુશ્કેલ બને. જાણકારો અનુસાર ત્રણેય રાજ્યમાં ભાજપ કોઈ નવા ચહેરા પર જ દાવ લગાવી શકે છે. મોદી અને શાહની જોડી કોઈ સરપ્રાઇઝ પ્લાન સાથે સામે આવી શકે છે. ર014થી જ તેમની આવી રણનીતિ રહી છે. એટલે સુધી કે તેમના નિર્ણય વિશે મીડિયા પણ અટકળો કે દાવો કરી શકતું નથી. યુપીમાં યોગીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય હોય કે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બનાવવાનો કે પછી ગુજરાતમાં વિજય રૂપાણીને હટાવી જેની કોઈને કલ્પના ન હતી તે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. આ એવા નિર્ણય હતા જેમાં છેલ્લે સુધી સસ્પેન્સ જળવાયું હતું. રવિવારે ચૂંટણી પરિણામ જાહેર થતાંની સાથે ત્રણેય રાજયમાં મુખ્યમંત્રી કોણ ? તે અંગે ચર્ચાનો દૌર ઉઠયો છે. અનેક નામ સામે આવ્યા છે. એવું કહેવાય છે કે, મંગળવારે રાત્રે વડાપ્રધાન આવાસ ખાતે સાડા 4 કલાક લાંબી બેઠક મળી હતી જેમાં ત્રણેય રાજ્યના મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાયો હતો. પહેલા નડ્ડા અને શાહે મંથન કર્યું, ત્યારબાદ પીએમ હાઉસ ખાતે આખરી રણનીતિ ઘડાયાનું મનાય છે. જાણકારો અનુસાર, ર0ર4ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ત્રણેય રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી કરાશે. બેદાગ, વિવાદથી દૂર રહેનારા અને લોપ્રોફાઇલ નેતાની પસંદગી સંભવ છે. ભાજપની પસંદગી એવા મુખ્યમંત્રી છે જે સામાજિક અને રાજનીતિક સંદેશો પ્રસ્થાપિત કરે. જાણીતા અને મોટા ચહેરાની પસંદગી કરાશે નહીં. 4 પોઇન્ટ ફોર્મ્યુલાને આધારે મુખ્યમંત્રી પદનો ચહેરો પસંદ કરવામાં આવનાર હોવાનું કહેવાય છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang