• શનિવાર, 27 જુલાઈ, 2024

નેહરુની બે મહાભૂલ દેશને ભારે પડી : શાહ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 6 : લોકસભામાં આજે જમ્મુ અને કાશ્મીર રિઝર્વેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન (અમેન્ડમેન્ટ) બિલ, 2023 પસાર કરાયા હતા. આ ખરડાની ચર્ચા દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 આતંકવાદના મૂળમાં હતી. શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિશાન તાકતાં કહ્યું હતું કે તેમની બે મોટી ભૂલોને લીધે પીઓકે બન્યું અને કાશ્મીરને વર્ષો સુધી સહન કરવું પડયું. તેમની આ ટિપ્પણીને પગલે હોબાળો સર્જાયો હતો. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતું કે કાશ્મીરની વાત આવે ત્યારે ભાજપવાળા બિનજરૂરી રીતે નેહરુને નિશાન બનાવે છે. કાશ્મીર મુદ્દે સંસદમાં દિવસભર ચર્ચાની તેમણે માંગ કરી હતી. શાહે તરત જવાબ આપ્યો હતો કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લાં 70 વર્ષથી પોતાના અધિકારોથી વંચિત અને પીડિત જમ્મુ-કાશ્મીરની જનતાને આ બંને ખરડા પાસ થવાથી એમનો અધિકાર મળશે અને પોતાના વતનથી દૂર થયેલા લોકોને અનામતથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ વાચા મળશે. ચર્ચાના જવાબમાં શાહે કહ્યું હતું કે, દેશની સ્વતંત્રતાના સમયથી જ જો દેશના આ અભિન્ન અંગમાં આતંકવાદને મતબેન્કને નજરમાં રાખ્યા વગર જ ડામી દેવાયો હોત તો કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત ન થવું પડયું હોત. અનામતના સુધારિત બિલમાં આતંકવાદના કારણે વિસ્થાપિત થયેલા પંડિતોને પણ વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળશે. બંને બિલ 70 વર્ષથી વંચિત સ્થાનિક લોકોને તેમનો અધિકાર આપનારા છે. લોકસભામાં બોલતા અમિત શાહે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બે ભૂલો ગણાવી હતી, જેના કારણે કાશ્મીરમાં મોટા ભાગની સમસ્યાઓ ઊભી થઈ હતી. પહેલી ભૂલ તો એ હતી કે આપણી સેના જીત મેળવી રહી હતી ત્યારે નેહરુએ યુદ્ધવિરામ કર્યો હતો.  જો માત્ર ત્રણ દિવસ ભારતીય સેનાને મળ્યા હોત તો પાકિસ્તાનનું કબજાગ્રસ્ત કાશ્મીર આજે ભારતનું અભિન્ન અંગ હોત. નેહરુની બીજી ભૂલ એ હતી કે, ભારતની અંતરંગ કાશ્મીર સમસ્યાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા. છેલ્લા સાત દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપવામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીની સરકારો નિષ્ફળ રહ્યાનું જણાવી અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારોએ અન્ય પછાત વર્ગોનું ભારે નુકસાન કર્યું છે  પણ ભાજપ સરકારે કલ્યાણકારી યોજનાઓથી આ સમાજને આગળ લાવવાના સફળ પ્રયાસો કર્યા છે તેમ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang