• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

ઈન્ડિયા યુતિમાં તિરાડ : આજની બેઠક ટળી

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા. પ : પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ વિપક્ષી ગઠબંધનની એકતા સામે પણ નવેસરથી સવાલ ઉભો કરી દીધો છે. ભાજપ વિરુદ્ધ સંગઠિત લડતની નેમ સાથે રચાયેલા ઈન્ડિયા મહાગઠબંધનની આવતીકાલે 6 ડિસેમ્બરે મળનારી બેઠક ટાળવામાં આવી છે. કહેવામાં આવે છે કે, કેટલાક પક્ષનાં નેતાઓ આ બેઠકમાં હાજરી આપી શકે તેમ ન હોવાનાં કારણે હાલ આ બેઠકનું આયોજન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો મુજબ હવે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં આ બેઠક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખરેખર તો ઇન્ડિયા ગઠબંધન બન્યું ત્યારથી તેમાં સામેલ પાર્ટીઓ સતત બેઠક વહેંચણીની માગણી કરી રહી છે. જો કે ખડગેએ પાંચ રાજ્યોની ચૂંટણી બાદ આ વિશે વાતચીત કરવાનું કહ્યું હતું. રવિવારે આ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તુરંત જ ખડગેએ છ ડિસેમ્બરે ઇન્ડિયાની બેઠકનું એલાન કરી દીધું હતું. ચૂંટણીના પરિણામોમાં કૉંગ્રેસને એક માત્ર તેલંગણામાં સફળતા મળી છે બાકીના ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં ભાજપનો વિજય થયો જ્યારે મણિપુરમાં સ્થાનિક પાર્ટીએ મેદાન માર્યું છે. કૉંગ્રેસને આશા હતી કે પાંચ રાજ્યોમાં કૉંગ્રેસ માટે સારા પરિણામો આવશે તો ઇન્ડિયા ગઠબંધનમાં સાથી પાર્ટીઓ પાસેથી વધુ સીટો મેળવી શકાશે પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા સહયોગી પાર્ટીઓની ઉપેક્ષા અને બાદમાં હારથી ઇન્ડિયા ગઠબંધનની અન્ય પાર્ટીઓ સાવચેત થઇ ગઇ છે અને કોઇને કોઇ બહાને બેઠકમાં આવવા રાજી નથી એવું ચિત્ર ઉપસ્યું છે. કોંગ્રેસનાં સૂત્રોનાં કહેવા અનુસાર હવે આવતીકાલે સાંજે છ વાગ્યે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોનાં સાંસદોની બેઠક યોજવામાં આવશે નહીં. ડિસેમ્બરનાં ત્રીજા અઠવાડિયામાં કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આવાસે તમામ પ્રમુખ પક્ષોનાં નેતાઓની ઔપચારિક સમન્વય બેઠક યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સપા નેતા અખિલેશ યાદવ અને તૃણમૂલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ તો પહેલાથી જ બેઠકમાં હાજરી આપવા અસમર્થતા દેખાડી દીધી હતી મમતાએ કહ્યું હતું કે, મને આ બેઠકની જાણકારી નથી માટે ઉત્તર બંગાળ જવાનું છે. ત્યારબાદ તામિલનાડુનાં મુખ્યમંત્રી અને ડીએમકે નેતા એમ.કે.સ્ટાલિને પણ ચક્રવાતનાં કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે બેઠકમાં હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને બેઠકમાં હાજરી આપવાની ના પાડી હતી. મમતા, નીતિશ, અખિલેશ અને હેમંત ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય નેતાઓ છે અને તેમના તરફથી અલગ અલગ કારણોસર બેઠકમાં હાજરી માટે અસમર્થતા દર્શાવાતા ખરેખર બેઠકનો કોઇ અર્થ સરે એમ નથી. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ તરફથી લલ્લન સિંહ અને સંજય ઝા બેઠકમાં હાજર રહેવાના હતા અને સમાજવાદી પાર્ટી તરફથી પણ અખિલેશના બદલે રામગોપાલ યાદવ બેઠકમાં હાજર રહેવાની સંભાવના હતી પરંતુ મમતા દીદી અને સોરેન તરફથી ખાસ કોઇ સંકેત નહોતો.કહેવામાં આવે છે કે, આ તમામ નેતાઓ દ્વારા ભલે બેઠકમાં હાજરી આપવા માટે જુદાજુદા કારણો આપવામાં આવ્યા હોય પણ વાસ્તવમાં તે કોંગ્રેસ સામે નારાજગી દેખાડવાનું બહાનું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં પ્રદર્શન અને તેનાં વલણ સામે વિપક્ષનાં અન્ય નેતાઓ નાખુશ છે. જેનાં હિસાબે આ તમામે બેઠકમાં હાજરી નકારી દીધી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang