અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : આજે
ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદ સ્થિત
સ્ટાર્ટઅપ ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ (ઘજછઊ) દ્વારા રાજ્યના
પ્રથમ સાઉન્ડિગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિગ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ
આ ઐતિહાસિક ક્ષણનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી યુવા વૈજ્ઞાનિકોની ટીમને પ્રોત્સાહિત કરી
હતી. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું
સર્જન કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આજે બાવળીયારી ખાતે નિર્મિત અસ્થાયી લોન્ચિગ કોમ્પ્લેક્સ પરથી બપોરે 1:00 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ
રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટે અંદાજે 3 કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જાટિલ
ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ સાથે હવામાનના ડેટા કલેક્ટ કરી શકે
તેવો એક મીની સેટેલાઈટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો. 'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી
ઓમસ્પેસની અમદાવાદ ખાતેની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. ઓમસ્પેસના સ્થાપક અને સીઈઓ ડો. રવિન્દ્ર રાજે રાજ્ય
સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સફળતાથી આગામી સમયમાં
ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ઇન્ફિનિટી વનના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.